- ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર
- હવે ધો.10ના વિદ્યાર્થીઓ CA ફાઉન્ડેશનનો કોર્સ કરી શકશે
- આ અંગેની સંપૂર્ણ વિગતો ORGની સાઇટ પરથી મળી શકે છે
નવી દિલ્હી: ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક આનંદના સમાચાર છે. હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ CA ફાઉન્ડેશન કોર્સ કરી શકશે. હકીકતમાં, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા (ICAI) એ હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફાઉન્ડેશન કોર્સ-2020 માટે પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે પ્રવેશ મેળવવાની મંજૂરી આપી છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સ્વપન સેવતા વિદ્યાર્થીઓ આ અંગેની સંપૂર્ણ વિગતો ICAI.ORGની મુલાકાત લઇને વિગતો લઇ શકે છે. ICAI દ્વારા રજૂ કરવામાં આવેલી નવી જોગવાઇઓ હેઠળ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ હવે CA ફાઉન્ડેશન કોર્સ 2020 માટે અરજી કરી શકે છે.
આપને જણાવી દઇએ કે પહેલા ફક્ત તે જ ઉમેદવારો માટે આ વ્યવસ્થા હતી કે જેમણે ધો.12ની પરીક્ષા પાસ કરી હતી. તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન્સમાં સુધારો કરવા માટે ભારત સરકારની મંજૂરી મળી છે.
નોંધનીય છે કે, હવે ધોરણ 10ની પરીક્ષાઓ પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ ICSIના ફાઉન્ડેશન કોર્સમાં પ્રોવિઝનલ નોંધણી કરાવી શકે છે. ICAI એ ટ્વીટ કરીને જણાવ્યું છે કે નોંધણી ફીમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને CAની પરીક્ષાની તૈયારી માટે વધુ સમય મળશે અને તેઓનું સ્વપન સાકાર થશે.
(સંકેત)