- CBSE દ્વારા બોર્ડની પરીક્ષાને લઇને કરાઇ મહત્વની જાહેરાત
- વર્ષ 2021ની બોર્ડની પરીક્ષા લેખિતમાં જ યોજાશે: CBSE
- કોવિડની ગાઇડલાઇન અંતર્ગત થશે પરીક્ષાનું આયોજન
નવી દિલ્હી: CBSE દ્વારા બોર્ડની પરીક્ષાને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા બોર્ડની પરીક્ષા લેખિતમાં જ યોજાશે તેવું કહેવામાં આવ્યું છે. વર્ષ 2021માં યોજાનારી CBSE બોર્ડની પરીક્ષા ઑનલાઇન (Online exam) નહીં યોજવામાં આવે. કોરોનાની ગાઇડલાઇન અંતર્ગત પરીક્ષાનું આયોજન કરાશે તેવું કહેવાયું છે. ટૂંક સમયમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ પરીક્ષાની તારીખની જાહેરાત કરાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, CBSEના અધિકારીઓએ કહ્યું હતું કે વર્ષ 2021માં બોર્ડ પરીક્ષાઓ ઓનલાઇન માધ્યમથી ન લઇને લેખિત પરીક્ષાઓ થશે. પરીક્ષાના સંચાલન માટે તારીખો પર વિચાર-વિમર્શ હજુ ચાલી રહ્યું છે. તે ઉપરાંત જો પરીક્ષા પહેલા ક્લાસમાં પ્રયોગાત્મક કાર્યો માટે વિદ્યાર્થી ઉપસ્થિત ન રહી શક્યા તો અન્ય વિકલ્પ વિશે પણ વિચારવામાં આવશે.
CBSEના એક વરિષ્ઠ અધિકારી અનુસા બોર્ડ પરીક્ષાના આયોજનની તારીખને લઇને હજુ કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે મામલે હજુ વિચાર ચાલી રહ્યો છે. પરીક્ષાઓ જ્યારે પણ થશે ત્યારે તે લેખિત સ્વરૂપમાં થશે. કોવિડની તમામ ગાઇડલાઇનનું પાલન કરીને પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
નોંધનીય છે કે આગામી બોર્ડની તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઇને વિદ્યાર્થીઓ અવઢવમાં છે અને અનેક સવાલો છે. વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપવા અને તેઓની પરીક્ષાને લઇને રહેલી ચિંતાઓ અને મૂંઝવણ દૂર કરવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા 10 ડિસેમ્બરના રોજ એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આ વેબિનાર સંબોધશે અને વિદ્યાર્થીઓ સાથે આગામી પરીક્ષાને લઇને વાતચીત કરશે.
(સંકેત)