ભારતીય યુદ્વ જહાજ પરથી લૉન્ચ થયેલ બ્રહ્મોસે 300 કિલોમીટર દૂર રહેલા જહાજનો ખાતમો બોલાવ્યો
- ચીન-પાકિસ્તાન સાથે ચાલતા તણાવ વચ્ચે ભારતે કર્યું સફળ મિસાઇલ પરીક્ષણ
- ભારતીય નૌસેનાએ એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું કર્યું સફળતાપૂર્વક પરીક્ષણ
- બ્રહ્મોસે 300 કિમી દૂર ઉભેલા જહાજનો બોલાવી દીધો ખાતમો
નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે વિવિધ મિસાઇલ પરીક્ષણનો સિલસિલો યથાવત્ રાખ્યો છે.
આજે ભારતીય નૌસેનાએ પોતાની તાકાતનો પરચો આપતા એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આંદામાન નિકોબાર વિસ્તારમાં તૈનાત ભારતીય યુદ્વ જહાજ રણવિજય પરથી બ્રહ્મોસ મિસાઇલ લોન્ચ કરવામાં આવી હતી. 300 કિલોમીટરની અંદાજીત રેન્જ ધરાવતી આ ઘાતક અને સુપર સોનિક મિસાઇલે પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે જ 300 કિલોમીટર દૂરના લક્ષ્યનો ખાત્મો બોલાવવામાં સફળતા મેળવી હતી.
આપને જણાવી દઇએ કે રશિયા અને ભારતે સંયુક્તપણે વિકસાવેલી બ્રહ્મોસ મિસાઇલને ભારતની સેનાની ત્રણે પાંખોમાં સામેલ કરવામાં આવી છે. આજે જે મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેને દુશ્મન દેશના જહાજનો ગણતરીની સેંકડોમાં ખાતમો બોલાવવા માટે બનાવાયું છે અને ભારતીય નૌ સેનાના યુદ્વ જહાજો પર તેને તૈનાત કરાયું છે. આ મિસાઇલનું એક વર્ઝન સબમરિન પણ છે.
નોંધનીય છે કે, બીજી તરફ ભારત સરકારની સંસ્થા ડીઆરડીઓ સુપર સોનિક મિસાઇલના નવા હાઇપર સોનિક વર્ઝનને બનાવવા માટે પણ કામ કરી રહી છે. આ પણ બહુ જલ્દી તૈયાર થાય તેવી આશા વ્યક્ત કરાઇ રહી છે. ભારત આ રીતે દિવસે દિવસે સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ મજબૂત અને શક્તિશાળી બની રહ્યું છે.
(સંકેત)