- કોરોના મહામારી અને વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ
- દિલ્હી બાદ હવે હરિયાણા-મહારાષ્ટ્રના રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ
- જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે
નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ ભારતમાં દિવાળી સાથે તહેવારોની મોસમ શરૂ થવા જઇ રહી છે. આ વખતે કોરોના અને શિયાળામાં થતા પ્રદૂષણને કારણે પાટનગર નવી દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી બાદ હવે હરિયાણા અને મહારાષ્ટ્રના રાજ્યોએ પણ ફટાકડા પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
આ અંગે જાહેરાત કરતા મુંબઇ મહાનગર પાલિકા (BMC)એ કહ્યું હતું કે, ખાનગી સોસાયટીમાં ફૂલઝર કે દાડમ જેવા સાદા ફટાકડા માત્ર 14 નવેમ્બરે જ ફોડી શકાશે. તે સિવાય જાહેર સ્થળે કોઇપણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જો કે દિલ્હીની જેમ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કોઇ લોકો ફટાકડા ફોડતાં પકડાય તો તેને કોઇ સજા કરવામાં આવશે કે નહીં તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ હરિયાણા સરકારે પણ દિવાળી અને બેસતા વર્ષે માત્ર રાત્રે 8 થી 10 જ ફટાકડા ફોડવાની છૂટ આપી હતી. તે સિવાય ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
(સંકેત)