- કોરોના વાયરસના સંકટ વચ્ચે આગામી વર્ષે એરોસ્પેસ એક્ઝિબિશન યોજાશે
- મંત્રાલયે ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગ સાથે ચર્ચા કરીને આ કાર્યક્રમ અંગે લીધો નિર્ણય
- આગામી વર્ષે 3 થી 5 ફેબ્રુઆરીની વચ્ચે એક્ઝિબિશન યોજાશે
કોરોના વાયરસના સંકટ વચ્ચે આગામી વર્ષે એશિયાનું સૌથી મોટું એરોસ્પેસ એક્ઝિબિશન યોજાશે. સંરક્ષણ મંત્રાલયે આગામી વર્ષે 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન બેંગ્લુરુમાં એરો ઇન્ડિયાનું સત્ર યોજવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગ અને મુખ્ય વૈશ્વિક એરોસ્પેસ ઉદ્યોગ સાથે ચર્ચા કર્યા પછી આ દ્વિવાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે.
સૂત્રોનુસાર એરો ઇન્ડિયાની આગામી આવૃત્તિનો મુખ્ય કાર્યક્રમ 3 થી 5 ફેબ્રુઆરીની વચ્ચે યોજાશે. જ્યારે સામાન્ય પ્રજા માટે એક્ઝિબિશન 6 અને 7 ફેબ્રુઆરીએ ખુલ્લુ મુકાશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ એક્ઝિબિશન માટે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આજે આ અંગે બેઠક પણ યોજાઇ હતી.
એરો ઇન્ડિયા ઉડ્ડયન ક્ષેત્રમાં થઇ રહેલી પ્રગતિ અને નવા વિચારો વિશ્વ સમક્ષ મૂકવા માટેનું એક અગત્યનું અને મોટું સ્ટેજ છે. તેનો હેતુ મેક ઇન ઇન્ડિયાનો પ્રસાર કરવાનો છે. ભારત વિશ્વમાં શસ્ત્રોના સૌથી મોટા બજારો પૈકીનું એક છે. જેના કારણે વિશ્વની શસ્ત્ર બનાવતી કંપનીઓની નજર ભારતમાં યોજવામાં આવતા એરો ઇન્ડિયા પર રહે છે.
સંરક્ષણ ઉપકરણોનું બજાર હોવાની સાથે એરો ઇન્ડિયા યુદ્ધ વિમાનોની કરતબ માટે જાણીતુ છે. એરો ઇન્ડિયા શો દરમિયાન દેશ વિદેશના યુદ્ધ વિમાનો પોતાના કરતબ રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન 10 સપ્ટેમ્બરે રફાલ યુદ્ધ વિમાનને સત્તાવાર રીતે ભારતીય એરફોર્સમાં સામેલ કરશે. હરિયાણાના અંબાલા એરપોર્ટ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ફ્રાન્સના સંરક્ષણ પ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવશે.
(સંકેત)