- દેશમાં કોરના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 29 લાખને પાર
- કોરોનાની વેક્સીન આ વર્ષના અંત સુધી દેશને મળશે: ડૉ.હર્ષવર્ધન
- વેક્સીન તૈયાર થતા પહેલા હેલ્થેકર અને ફ્રન્ટલાઇન વર્કર્સને અપાશે
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને હવે આ આંક 29 લાખને પાર થઇ ચૂક્યો છે ત્યારે હવે આ ચિંતાજનક સ્થિતિમાં વેક્સીન જ એકમાત્ર આશા છે. આ વચ્ચે વેક્સીન અંગે કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને દાવો કર્યો છે કે દેશમાં બનેલી અને ટ્રાયલમાંથી પસાર થઇ રહેલી બે સ્વદેશી કોરોના વેક્સીન આ વર્ષના અંત સુધી દેશને મળી શકશે. તેમના દાવા મુજબ ભારત બાયોટેકે તૈયાર કરેલી વેક્સીન Covaxin આ વર્ષના અંત સુધી ઉપલબ્ધ થઇ શકે છે અને આગામી વર્ષે 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વેક્સીનનો કાર્યક્રમ શરુ થઇ શકશે.
ડૉ.હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પહેલેથી જ ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું ઉત્પાદન કરી રહી છે જેથી કરીને તેને લોકો સુધી વહેલી પહોંચાડી શકાય. જે વર્ષાન્ત સુધી લોકો સુધી પહોંચે તેવી સંભાવના છે.
બીજી તરફ ભારત બાયોટેકની Covaxin રસીની ટ્રાયલ પણ બે સપ્તાહ પૂર્વે શરૂ કરાઇ હતી. આ વેક્સીન પણ વર્ષાન્તે તૈયાર થાય તેવી સંભાવના છે. ઝાયડસ કેડિલાએ પણ વિકસિત કરેલી વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે. વેક્સીનના ઉત્પાદન સંદર્ભે ભારત વિશ્વમાં સૌથી ટોચ પર છે, જે વૈશ્વિક સ્તરે કુલ વેક્સીનના બે-તૃંતીયાંશ ભાગ સપ્લાય કરે છે.
વેક્સીન પહેલા કોને મળશે
વેક્સીન કોને પહેલા મળશે તે અંગે સ્પષ્ટતા કરતા ડૉ.હર્ષવર્ધને કહ્યું હતું કે. વેક્સીન તૈયાર થવાની સાથે જ સૌ પ્રથમ હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને તે આપવામાં આવશે અને ત્યારબાદ વૃદ્વો અને ગંભીર રીતે સંક્રમિત દર્દીઓને પ્રાથમિકતાના ધોરણે વેક્સીન અપાશે.
(સંકેત)