વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીઓ અને અન્ય ચૂંટણી સંદેશાઓનો પ્રચાર કરતી ભાજપે શરૂ કરેલી ચેનલ નમો ટીવી બંધ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે તે 17 મેના રોજ બંધ થઈ ગયું જ્યારે લોકસભા ચૂંટણી માટેનું સમગ્ર પ્રચાર અભિયાન પૂરું થઈ ગયું. નામ ન બહાર આવવાની શરતે એક ભાજપ નેતાએ જણાવ્યું કે, “નમો ટીવી લોકસભા ચૂંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનના માધ્યમ તરીકે શરૂ કરવામાં આવ્યું. ચૂંટણી ખતમ થયા પછી હવે તેની કોઈ જરૂર નથી. એટલે 17મે થી જ્યારે તમામ ચૂંટણીપ્રચાર પૂરો થઈ ગયો તો તેને પણ બંધ કરવામાં આવ્યું.” ઉલ્લેખનીય છે કે ચેનલ જ્યારથી શરૂ થઈ ત્યારથી વિવાદોમાં છે.
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણીપ્રતારનો સમય પૂરો થયા પછી પણ નમો ટીવી પર ‘ચૂંટણી સંબંધી સમાચારોનો પ્રસાર’ કરવા માટે ભાજપને નોટિસ મોકલી હતી, પરંતુ પાર્ટીએ કહ્યું હતું કે તેમણે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન નથી કર્યું. એપ્રિલમાં ચૂંટણીપંચે નિર્દેશ આપ્યા હતા કે નમો ટીવી પર દર્શાવવામાં આવતા તમામ રેકોર્ડેડ કાર્યક્રમો પૂર્વ પ્રમાણિત હોય. ત્યારબાદ દિલ્હી ચૂંટણીપંચે ભાજપને તેની મંજૂરી વગર ટીવી પર કોઈપણ સામગ્રી પ્રસારિત ન કરવા માટે કહ્યું હતું.