મુંબઈથી 100 કિલોમીટર દૂર મહાલક્ષ્મી એક્સપ્રેસમાં પૂરને કારણે 700 પ્રવાસીઓ ફસાયા, હેલિકોપ્ટર-બોટથી બચાવ અભિયાન
મુંબઈ: મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈથી 100 કિલોમીટર દૂર બદલાપુર-વંગાનીની વચ્ચે પૂરને કારણે મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લગભગ 700 પ્રવાસીઓ ફસાયા છે. શુક્રવારે મોડી રાત્રે ત્રણ વાગ્યે ફસાયેલા પ્રવાસીઓને કાઢવા માટે હેલિકોપ્ટર અને બોટ્સ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે 119 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને બાકીના પ્રવાસીઓને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
તો મુંબઈમાં ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પરિસ્થિતિ પૂર જેવી થઈ ચુકી છે. અહીં 24 કલાકમાં લગભગ 18 સેન્ટિમીટર વિક્રમજનક વરસાદ નોંધાયો છે.
રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ ઉદાસીએ કહ્યુ છે કે અમે પ્રવાસોને અપીલ કરીએ છીએ કે તેઓ ટ્રેનમાંથી ઉતરે નહીં. ટ્રેન સુરક્ષિત સ્થાન પર ઉભી છે. સ્ટાફ, આરપીએફ અને સ્થાનિક પોલીસ ટ્રેનમાં પહોંચી ચુકી છે. મહેરબાની કરીને એનડીઆરએફ અને આફત નિવારણ વિભાગના નિર્દેશોની રાહ જોવો.
શનિવારે સવારે છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટના પીઆરઓ પ્રમાણે, સાત ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે, જ્યારે 9 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. અન્ય ફ્લાઈટોમાં સરેરાશ 30 મિનિટનો વિલંબ થઈ રહ્યો છે. આ સિવાય કલ્યાણથી કર્જત તરફ જતી ટ્રેનોને પણ રદ્દ કરવામાં આવી છે.
સ્કાયમેટ પ્રમાણે, દેશના 10 શહેરો જ્યાં ગત 24 કલાકોમાં સૌથી વધારે વરસાદ થયો છે, તેમા મહારાષ્ટ્રના સાત, રાજસ્થાન, ઓડિશા અને પશ્ચિમ બંગાળના એક શહેરનો સમાવેશ થાય છે.
રાજ્ય | સ્થાન | વરસાદ (સે.મી.) |
મહારાષ્ટ્ર | માથેરાન | 43.7 |
મહારાષ્ટ્ર | મહાબળેશ્વર | 23.9 |
મહારાષ્ટ્ર | થાણે | 23.6 |
મહારાષ્ટ્ર | સાંતા ક્રૂઝ | 21.9 |
મહારાષ્ટ્ર | અલીબાગ | 14.0 |
મહારાષ્ટ્ર | હરનોઈ | 11.8 |
મહારાષ્ટ્ર | કોલાબા | 9.0 |
રાજસ્થાન | જયપુર | 8.4 |
ઓડિશા | પુરી | 8.4 |
પ.બંગાળ | ડાયમંડ હાર્બર | 8.2 |
મુંબઈ પોલીસે કહ્યું છે કે અમે પ્રવાસીઓને અનુરોધ કરીએ છીએ કે તેઓ જળભરાવવાળા ક્ષેત્રોમાં જાય નહીં. સમુદ્રથી અંતર જાળવી રાખે. કોઈપણ મદદ માટે અમને 100 નંબર પર ફોન કરે.
એરપોર્ટ અધિકારીએ કહ્યુ છે કે ખરાબ હવામાનને કારણે વિજિબિલિટી ઓછી થવાથી ફ્લાઈટ પર અસર પડી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાયગઢ, સિંધુદુર્ગ અને રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ, નવી મુંબઈ, થાણે, પાલઘરમાં 26 અને 28 જુલાઈએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ચાર કલાકમાં થાણે, રાયગઢ અને મુંબઈમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. વહીવટી તંત્રે લોકોને સમુદ્ર અને પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારોથી દૂર રહેવાની તાકીદ કરી છે.
મહત્વપૂર્ણ છે કે 26 જુલાઈ, 2005ના રોજ થયેલા વરસાદમાં મુંબઈમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઔદ્યોગિક એકમો સહીત એરપોર્ટ અને પોર્ટ ઘણાં દિવસો સુધી બંધ કરવામાં આવ્યા હતા. આખું શહેર પાણીમાં ડૂબી ગયું હતું. લગભગ 550 કરોડ રૂપિયાની મિલ્કતનું નુકસાન થયું હતું.