મુંબઈ: કોમેડિ કલાકાર કપિલ શર્મા દિલીપ છાબડીયા વિરુદ્ધ નિવેદન આપવા ક્રાઈમ બ્રાંચે પહોંચ્યા
- કપિલ શર્મા ફરીયાદ કરવા માટે મુંબઈ ક્રાઈમ પહોંચ્યા
- દિલીપ છાબડીયા વિરુદ્ધ આપશે નિવેદન
- છેતરપિંડી થયાની નોંધાવી હતી ફરિયાદ
મુંબઈ: હાસ્ય કલાકાર કપિલ શર્મા મુંબઇ ક્રાઈમ બ્રાંચની ઓફિસે પહોંચ્યા છે અને કપિલ ક્રાઈમ બ્રાંચની ઓફિસે કાર ડિઝાઈનર દિલીપ છાબડીયા સામે નિવેદન નોંધાવવા આવ્યા હતા. કપિલે દિલીપ છાબડીયાને પોતાની વેનિટી વેન બનાવવા માટે પૈસા આપ્યા હતા, પરંતુ તેમને વેનિટી વેન મળી નહોતી.
જેની સામે કપિલે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 28 ડિસેમ્બરના રોજ પોલીસે છેતરપિંડી અને બનાવટી બનાવના મામલે દિલીપ છાબડીયાની ધરપકડ કરી હતી. તેની કસ્ટડી 7 જાન્યુઆરી સુધી વધારવામાં આવી હતી, પરંતુ લાગે છે કે, પોલીસ દિલીપને સરળતાથી જવા દેવા માંગતા નથી, તેથી કપિલને તેની વિરુદ્ધ નિવેદન આપવા માટે કહેવામાં આવ્યું છે.
દિલીપ છાબડીયા દેશના જાણીતા કાર ડિઝાઇનર છે. તે સેલિબ્રિટીઝ અને ધનિક લોકોની કારમાં મોડીફાઇ કરવા માટે મશહૂર છે. શાહરૂખ ખાનની વેનિટી વાન પણ દિલીપ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.
ક્રિકેટર દિનેશ કાર્તિકે પણ દિલીપ સામે 2015માં કેસ કર્યો હતો. દિલીપ પર પાંચ લાખ રૂપિયા લઇને યોગ્ય કામ નહીં કરવાનો આરોપ મૂક્યો હતો. દિનેશે ટેસ્ટ ડ્રાઇવ બાદ કાર પરત કરી કેસ દાખલ કર્યો હતો.
-દેવાંશી