- જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવાનો મામલો
- આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની મહત્વની ટીપ્પણી
- ભરોસો આપવો પડશે કે સ્થાનિકોની નોકરીઓ-જમીનને કોઈ ખતરો નથી
- કલમ-370ના દૂર થયા બાદ બાકીના ભારત સાથેના સંપર્કોની અડચણો થશે દૂર
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે આર્ટિકલ-370 હટાવવાને લઈને કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને એ ભરોસો અપાવવો જરૂરી છે કે રાજ્યનું સ્પેશયલ સ્ટેટસ સમાપ્ત થવાથી કોઈ નુકસાન થશે નહીં. નવયુવાનોને ભરોસો અપાવવો પડશે કે તેમની નોકરીઓ અને જમીન પર કોઈ ખતરો નથી.
વિદેશી મીડિયા સાથેની વાતચીતમાં ભાગવતે કહ્યુ છે કે આર્ટિકલ-370 હટાવાયા બાદ જમ્મુ-કાશ્મીરના યુવાનોના મનમાં નોકરી અને જમીન ખોવાનો જે ડર છે, તેને દૂર કરવો જોઈએ. તેમણે કહ્યુ છે કે કાશ્મીરના લોકોને એ ભરોસો અપાવવો પડશે કે આર્ટિકલ-370ને હટાવવાથી બાકીના ભારત સાથે તેમની એકાત્મતા વધશે.
મોહન ભાગવતે કહ્યુ છે કે અત્યાર સુધી કાશ્મીરીઓને અલગ-થલગ રાખવામાં આવ્યા હતા. પરંતુ 370ને હટાવાયા બાદ હવે બાકીના ભારત સાથે તેમના સંપર્ક અને એકતાની અડચણો દૂર થઈ ગઈ છે.
વિદેશી મીડિયા સાથે વાતચીતને લઈને આરએસએસ તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું કે આ કાર્યક્રમ સંગઠન તરફથી સતત વિભિન્ન ક્ષેત્રોના લોકોની સાથે સંવાદની પ્રક્રિયાનો એક હિસ્સો હતો.
કાશ્મીરમાં બહારના લોકોને જમીન ખરીદવાના સ્થાનિક લોકોના ડરને દૂર કરવાની વાત આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહી છે.
આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સના મુદ્દા પર પણ મોહન ભાગવતે કહ્યુ છે કે આ લોકોને કાઢવા માટે નહીં, પરંતુ નાગરિકોની ઓળખ માટે છે. સૂત્રો પ્રમાણે તેમણે કહ્યુ છે કે ભારતને છોડી દુનિયામાં હિંદુઓ માટે કોઈ અન્ય દેશ નથી.
સમલૈંગિકતા સંદર્ભે પુછવામાં આવેલા સવાલના જવાબમાં મોહન ભાગવતે કહ્યુ છે કે સમલૈંગિકોને પણ સમાજના અન્ય લોકોની જેમ જ સમાન દરજ્જો આપવો જોઈએ.