મોદી સરકારની ભ્રષ્ટાચાર સામે સર્જિકલ સ્ટ્રાઈક : ઈન્કમટેક્ષ વિભાગના 12 ટોચના અધિકારીઓને રાજીનામા આપવા નિર્દેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર હટાવવા માટે દેશવાસીઓને – ના ખાઉંગા, ના ખાને દુંગા-નો વાયદો કર્યો છે. પોતાના વાયદા પ્રમાણે કાર્યવાહી કરતા મોદી સરકારે ઈન્કમટેક્ષ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે જણાવી દીધું છે.
કેન્દ્રીય નાણાં મંત્રાલયના સૂત્રોને ટાંકીને આવેલા મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીફ કમિશનર, પ્રિન્સિપલ કમિશનર અને કમિશનરની રેન્ક ધરાવતા ઈન્કમટેક્ષ વિભાગના બાર વરિષ્ઠ અધિકારીઓને નિયમ-56 પ્રમાણે નાણાં મંત્રાલયે ફરજિયાતપણે રિટાયર કરી દીધા છે.
ઈન્કમટેક્ષ વિભાગમાંથી 12 ટોચના અધિકારીઓને ફરજિયાતપણે સેવાનિવૃત્ત કરવાના મોદી સરકારના નિર્ણયને ભ્રષ્ટાચારને સમાપ્ત કરવાની કાર્યવાહી તરીકે જોવામાં આવે છે.
પદ છોડી દેવાન તાકીદ કરાયેલા આમાના કેટલાક અધિકારીઓ પર ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર અને અપ્રમાણસર મિલ્કતો અને જાતીય સતામણી જેવા ગંભીર આરોપો છે.
આ યાદીમાં જોઈન્ટ કમિશનર રેન્કના અધિકારી અશોક અગ્રવાલ છે. તેમની સામે એક બિઝનસમેને ભ્રષ્ટાચાર અને ખંડણીખોરીના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેના પર સ્વયંભૂ ગોડમેન ચંદ્રાસ્વામીની મદદ કરવાનો પણ આરોપ છે.
આ સિવાય નોઈડામાં કમિશનર અપીલના પદે પર રહેલા આઈઆરએસ એસ. કે. શ્રીવાસ્તવનો પણ સમાવેશ થાય છે. તેમની સામે કમિશનર રેન્કની બે આઈઆરએસ મહિલા અધિકારીઓએ જાતીય સતામણીના આરોપ મૂક્યા છે.
અન્ય બે અધિકારીઓમાં 1985ની બેચના આઈઆરએસ હોમી રાજવંશ અને બી. બી. રાજેન્દ્રપ્રસાદનો પણ સમાવેશ થાય છે. હોમી રાજવંશે પોતાના અને પરિવારના સદસ્યના નામે ત્રણ કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો મેળવી હોવાનો આરોપ હતો. જ્યારે બી. બી. રાજેન્દ્રપ્રસાદ પર અનુકૂળ અપીલ આદેશ પારીત કરવાની અવેજમાં ગેરકાયદેસર સંતુષ્ટિ પ્રાપ્ત કરવાનો આરોપ છે. આ બંને અધિકારીઓને રાજીનામા આપી દેવા માટે કહી દેવામાં આવ્યું છે.
સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ પેન્શન રુલ્સ-1972ના મૂળભૂત નિયમ 56(j)માં સિવિલ સર્વન્ટ્સને ફરજિયાત રિટાયરમેન્ટ માટેની જોગવાઈ છે. તેનો વધારે વખત ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ તાજેતરમાં તેનો થઈ રહેલો ઉપયોગ ઘણો સૂચક છે.