ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અને હૈદરાબાદથી લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસી મોટાભાગે મોદી સરકાર પર કટાક્ષ કરતા દેખાતા હોય છે. ફરી એકવાર ઓવૈસીએ પીએમ મોદીના નવા કાર્યકાળની શરૂઆત પર શાબ્દિક હુમલો કર્યો છે. ઓવૈસીએ કહ્યું છે કે મોદી પોતાની જ સરકારના સરેરાશ રેકોર્ડને સુધારી શકતા નથી.
ઓવૈસીનું નિશાન 2014ની મોદી સરકારમાં ઓછી થયેલી જીડીપી અને વધતી બેરોજગારી પર છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે મોદી ખુદના સરેરાશ રેકોર્ડને પણ સારો કરી શકતા નથી. જ્યાં બેરોજગારી રેકોર્ડ સ્તર પર પહોંચે અને જીડીપી સૌથી ઓછા સ્તર પર હોય.
બાદમાં તેમણે કટાક્ષ કરતા કહ્યુ છે કે મોદી હૈ તો મુમકિન હૈ. તેમણે આગળ કહ્યુ છે કે મોદીના મતદાતાઓએ આના માટે ક્યારેય ફરિયાદ કરી નથી. આ માત્ર ત્યારે લાગે છે કે જ્યારે ગૌહત્યામાં પાંચ ટકાનો ઘટાડો થાય છે, અથવા જ્યારે યુવા દલિત પોતાના લગ્ન પર ઘોડાની સવારી કરે છે.
મહત્વપૂર્ણ છેકે કૃષિ, ઉદ્યોગ અને વિનિર્માણ સેક્ટરમાં નબળા પ્રદર્શનને કારણે નાણાંકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં દેશની આર્થિક વૃદ્ધિનો દર ધીમો પડયો છે અને પાંચ વર્ષના નીચલા સ્તર 5.8 ટકા પર પહોંચ્યો છે. જીડીપી દરમાં આ વૃદ્ધિ વર્ષ 2014-15 બાદ સૌથી ધીમી છે. આના પહેલા નાણાંકીય વર્ષ 2013-14માં જીડીપી દર 6.4 ટકા રહ્યો હતો.
ચોથા ત્રિમાસિક સમયગાળામાં જીડીપી દર ચીનના આર્થિક વૃદ્ધિ દર 6.4 ટકા કરતા પણ ઓછો રહ્યો છે. આ દ્રષ્ટિએ ચોથા ત્રિમાસિક સમયગાળામાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ચીન કરતા પાછળ રહ્યો છે. રાષ્ટ્રીય આવક પર કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલયના આંકડા પ્રમાણે, આખા નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન જીડીપી વિકાસ દર પણ ઘટીને પાંચ વર્ષના નીચલા સ્તર 6.8 ટકા રહ્યો હતો. આ પહેલા નાણાંકીય વર્ષમાં જીડીપી વિકાસ દર 7.2 ટકા રહ્યો હતો.
સીએસઓના આંકડા પ્રમાણે, બેરોજગારીનો દર 45 વર્ષના સર્વોચ્ચ સ્તર પર છે. નાણાંકીય વર્ષ 2017-18 દરમિયાન દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો હતો. આંકડા પ્રમાણે, મહિલાઓની અપેક્ષાએ પુરુષોમાં બેરોજગારીનો દર વધારે છે.