સુબ્રમણ્યમ સ્વામીએ સુરેશ પ્રભુને કર્યું સૂચન: જેટ એરવેઝનો એર ઈન્ડિયામાં વિલયનો જ બચ્યો છે રસ્તો
ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. સુબ્રમણ્મય સ્વામીએ જેટ એરવેઝને બચાવવા માટે નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુને પત્ર લખીને સૂચન આપ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે હવે આ એકમાત્ર માર્ગ બચ્યો છે કે જેટ એરવેઝનો એર ઈન્ડિયામાં વિલય કરવામાં આવે અને એર ઈન્ડિયાનેપણ સુચારુ રીતે ચલાવવામાં આવે. સુબ્રમણ્યમ સ્વામીએ વિદેશી એરલાઈન્સ એતિહાદના જેટમાં રોકાણ પર પણ સવાલ ઉઠાવતા કહ્યુ છે કે આ રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે.
કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુને લખેલા લેટરમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે તમે લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત હશો. પરંતુ આ મામલો ઘણો તાત્કાલિક છે. જેટ એરવેઝના બંધ થવાથી પ્રવાસીઓને મુશ્કેલી થવાની છે. દેશમાં હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે અને તેમા હિસ્સેદારી વધારવા માટે વિદેશી એરલાઈન્સ પોતાની નજર માંડીને બેઠી છે. માટે આવા સમયમાં જેટને બંધ કરી દેવી પ્રવાસીઓ માટે ઘણું નુકસાનકારક હોઈ શકે છે.
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે તેમણે જેટમાં એતિહાદના એફડીઆઈના આ આધાર પર વિરોધ કર્યો હતો કે તેમા એતિહાદને વધારે એરસ્પેસ અપઈ રહ્યો છે. આ ડોમેસ્ટિક પ્રવાસીઓના હિતો માટે તો અયોગ્ય છે જ, રાષ્ટ્રીય હિતોની દ્રષ્ટિથી પણ યોગ્ય નથી.
સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના લેટરમાં લખ્યું છે કે જેટમાં એતિહાદના રોકાણ અને ભારત-યુએઈ વચ્ચે હવાઈસેવાઓ માટે સમજૂતીથી એર ઈન્ડિયાને નુકસાન થયું છે. સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાની પાસે ઘણી મિલ્કત છે અને આ ઘણું કિંમતી છે. જેટની ખસ્તાહાલ સ્થિતિનો વિસ્તારા અને સ્પાઈસજેટ જેવી અન્ય ખાનગી એરલાઈન્સ ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહી છે. તેથી મારું સૂચન છે કે એર ઈન્ડિયામાં રાષ્ટ્રીય રોકાણ અને પાયાગત માળખાની આ લૂંટને રોકવામાં આવે. મારું પ્રધાનમંડળ માટે એ મજબૂત સૂચન છે કે જેટ એરવેઝનો એર ઈન્ડિયામાં વિલય કરી દેવામાં આવે, જેથી જેટની સેવાઓ પણ બંધ થાય નહીં અને એર ઈન્ડિયા પોતાના જૂના ગૌરવને પ્રાપ્ત કરે.
મહત્વપૂર્ણ છે કે જેટ એરવેઝની ખરાબ સ્થિતિ છે અને તેના ઉડ્ડયનો બંધ થઈ ચુક્યા છે. તેના લગભગ વીસ હજાર કર્મચારીઓની નોકરીઓ પર તલવાર લટકી રહી છે. કંપનીને બચાવવા માટે જાત-જાતની કોશિશો થઈ રહી છે. બેંકોમાંથી ઈમરજન્સી ફંડ નહીં મળી શકવાને કારણે જેટને પોતાના કામકાજને અસ્થાયીપણે બંધ કરવું પડયું હતું. જેટ એરવેઝની ઉપર 8500 કરોડ રૂપિયાનું કર્જ છે. કંપનીને ચાલુ રાખવા માટે 400 કરોડ રૂપિયાના ઈમરજન્સી ફંડની જરૂરત હતી. પરંતુ એસબીઆઈએ તેને આપવાનો ઈન્કાર કર્યો હતો.
એસબીઆઈની આગેવાનીમાં બેંકોના કંટ્રોલમાં આવી ચુકેલી જેટ એરવેઝ હવે હરાજીની પ્રક્રિયામાંથી પસાર થશે. જેટ એરવેઝની બોલી લગાવવા માટે મુખ્યત્વે ચાર મજબૂત દાવેદાર છે. આ ચાર દાવેદારોમાં –બોલીદાતા-એતિહાદ એરવેઝ, રાષ્ટ્રીય રોકાણ ફંડ એઆઈઆઈએફ, ખાનગી ક્ષેત્રનું ટીપીજી કેપિટલ અને ઈન્ડિગો પાર્ટનર છે. બ્રિટનના યુવાન કારોબારી જેસન અંસવર્થે પણ જેટ એરવેઝનું નિયંત્રણ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.