ખડગેના દીકરાએ સાધ્યું અમિત શાહ પર નિશાન, કહ્યું- ગૃહ મંત્રાલયનું નામ બદલીને ડિપાર્ટમેન્ટ ઑફ ક્લીનચીટ કરી દો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધ્યું. કર્ણાટક સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી પ્રિયાંકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નામને લઇને ટ્વિટ કર્યું. પ્રિયાંકે લખ્યું, ‘હવે આપણને નવા ગૃહમંત્રી મળી ગયા છે. હું વિચારું છું કે ગૃહ મંત્રાલયનું નામ મિનિસ્ટ્રી ઑફ પ્રોવાઇડિંગ ક્લીનચીટ’ રાખી લેવું જોઈએ.
પ્રિયાંકના આ ટ્વિટ પર કર્ણાટકમાં ભાજપના નેતા અને ભાજપના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ પ્રતિક્રિયા આપી છે. યેદિયુરપ્પાએ કહ્યું, ‘પ્રિયાંક ખડગેના કારણે જ મલ્લિકાર્જુન ખડગે 1 લાખ કરતા વધુ વોટ્સથી હાર્યા છે. તેઓ કોઈપણ આધાર વગર ફાલતુ વાતો કરે છે. હું તેમના નિવેદનની ટીકા કરું છું.’
ઉલ્લેખનીય છે કે ભાજપે આ વખતે લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં 28માંથી 25 સીટ્સ જીતી છે. જ્યારે વિધાનસભા ચૂંટણી પછી ગઠબંધન સરકાર બનાવનારી કોંગ્રેસ વિધાનસભામાં કરેલા પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકી નથી. મલ્લિકાર્જુન ખડગે પોતે ટુમકુર સીટ હારી ગયા છે. રાજ્યમાં કોંગ્રેસની જનતા દળ સેક્યુલરને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી એચડી દેવગોડા પણ ચૂંટણી હારી ગયા હતા.