મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે પોતાની મુંબઈ મુલાકાત દરમિયાન મોટા ઔદ્યોગિક ગૃહો સાથે સંબંધ ધરાવતા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને રાજ્યમાં રોકાણ બાબતે ચર્ચા પણ કરી હતી. બિરલા ઉદ્યોગ સમૂહના કુમાર મંગલમ બિરલા મધ્યપ્રદેશમાં 100 હાઈટેક ગૌશાળાઓ બનાવવા માટે સંમત થઈ ચુક્યા છે.
મુખ્યપ્રધાન કમલનાથ બુધવારે મુંબઈ પહોંચ્યા હતા. તેમણે બુધવારે રાત્રે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાતે મુલાકાત કરી હતી અને ઘણાં મુખ્ય વિષયો પર પણ ચર્ચા કરી હતી. ગુરુવારે કમલનાથે ઘણાં ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન મુલાકાત કરવાની સાથે ઘણાં ગ્રુપ સાથે પણ ચર્ચા કરી હતી.
મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે મુખ્યપ્રધાન કમલનાથની પહેલ પર બિરલા ઔદ્યોગિક જૂથના કુમાર મંગલમ બિરલાએ મધ્યપ્રદેશમાં 100 હાઈટેક ગૌશાળાઓના નિર્માણ માટે સંમતિ દર્શાવી છે. આ ગૌશાળાઓને આગામી 18 માસમાં બિરલા જૂથની સામાજીક જવાબદારી નિધિ એટલે કે સીએસઆરમાંથી બનાવવામાં વશે.
કુમાર મંગલમ બિરલાએ ગુરુવારે મુંબઈમાં મધ્યપ્રદેશના ઔદ્યોગિક પરિદ્રશ્ય મામલે કમલનાથ સાથે ચર્ચા કરી હતી. કમલનાથે રોજગાર નિર્માણ માટે નવા ઉદ્યોગોમાં રોકાણની સંભાવનાઓને રેખાંકીત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે રોકાણ અને વિશ્વાસ પરસ્પર એકબીજા પર આધારીત છે. મધ્યપ્રદેશ વિશ્વાસનું વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યુ કે સૌથી પહેલી પ્રાથમિકતા એ છે કે રોકાણની સાથે રોજગારનું નિર્માણ થાય. રોજગાર વગર ઔદ્યોગિક વિકાસ મધ્યપ્રદેશ જેવા રાજ્ય માટે અર્થપૂર્ણ નથી. રાજ્યમાં કૌશલ સંપન્ન, પ્રતિભાશાળી અને મહેનતું યુવા શક્તિની કોઈ અછત નથી. તેમને માત્ર રોજગારના અવસર જોઈએ.
કમલનાથે કહ્યુ છે કે દરેક ક્ષેત્ર માટે અલગથી રોકાણ નીતિ બનાવવામાં આવશે. તમામ ક્ષેત્રોની આવશ્યકતાઓ અલગ-અલગ હોય છે. એક જ નીતિ તમામ ક્ષેત્રો માટે યોગ્ય હોઈ શકે નહીં. તેમણે કહ્યુ કે ડ્રાઈ પોર્ટ, સેટેલાઈટ શહેર, ઉચ્ચસ્તરીય કૌશલ વિકાસ કેન્દ્ર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને પર્યટન જેવા ક્ષેત્રોમાં મધ્યપ્રદેશને ઝડપથી આગળ વધારવાનું છે.
મુખ્યપ્રધાન કમલનાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રબંધ સંચાલક પવન ગોયનકા સાથે ઈ-રિક્ષા અને ઈડ-ઓટો નિર્માણની સંભાવના પર પણ ચર્ચા કરી છે. કમલનાથે કહ્યુ છે કે આર્થિક રીતે નબળા વર્ગો માટે આવાસ ઉપલબ્ધ કરાવવા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દેશના અન્ય રાજ્યોમાં આ દિશામાં થયેલા કામનો અભ્યાસ કરીને મધ્યપ્રદેશ માટે એક આદર્શ નીતિ બનાવવામાં આવશે.
ગુરુવારે કમલનાથની શાપૂર પલોનજી જૂથના સાઈરસ મિસ્ત્રી સાથે સ્માર્ટ સિટીના વિકાસ, નવી હોસ્પિટલ, નાણાંકીય સંરચના પરિયોજનાઓ, શહેરી પરિયોજનાઓમાં વિદેશી મૂડી રોકાણ પર ચર્ચા થઈ હતી. કમલનાથની સીઆઈઆઈના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજાઈ હતી. તેની સાથે જ મુખ્યપ્રધાનની ઈન્વેસ્ટમેન્ટ અપોર્ચ્યુનિટીઝ ઈન મધ્યપ્રદેશના ઈન્ટરેક્ટિવ સેશનમાં મુખ્ય ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાઈ હતી.