ગુરુવાયુરમાં શ્રીકૃષ્ણના આશિર્વાદ સાથે પીએમ મોદી માલદીવ-શ્રીલંકાની મુલાકાતે, રાજનીતિક- આંતરરાષ્ટ્રીય કૂટનીતિક સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના પાંચ હજાર વર્ષ જૂના અને આસ્થાના સૌથી મોટા કેન્દ્રોમાંથી એક ગુરુવાયુર મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અર્ચના કરીને ભારતના લોકોએ નકારાત્મકતાને નકારી હોવાનું જણાવીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમણે ઘણો મોટો સંદેશો આપ્યો છે.
દક્ષિણ ભારતીય પરંપરા પ્રમાણેના વસ્ત્ર પરિધાન દ્વારા પણ પીએમ મોદીએ કેરળ ગુરુવાયુર મંદિરમાં દર્શન કરીને મોટો સંદેશો આપ્યો છે. તેમણે દક્ષિણ ભારતના દ્વારિકા ગણાતા દેવગુરુ બૃહસ્પતિ દ્વારા નિર્મિત પ્રાચીન મંદિરમાં વિરાજમાન શ્રીકૃષ્ણને ઉત્તર અને દક્ષિણ ભારત સાથે સમગ્ર ભારતના સાંસ્કૃતિક જોડાણનો પણ એક સંદેશો આપ્યો છે.
રાહુલ ગાંધીની જેમ પીએમ મોદી દક્ષિણ ભારતમાંથી ચૂંટણી ભલે લડયા નથી. પરંતુ તેમણે સ્પષ્ટપણે કહ્યુ છે કે વારાણસીની જેમ કેરળ પણ તેમના માટે એટલું જ પ્રિય છે. મહત્વપૂર્ણ છે કે કેરળમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી. તેમ છતાં કેરળમાં પીએમ મોદીએ જનતાનો આભાર માન્યો છે.
તો બીજી તરફ રાહુલ ગાંધીએ વાયનાડમાં બીજા દિવસની મુલાકાત દરમિયાન રોડ શો કર્યો છે અને આ રોડ શોમાં ચૂંટણી બાદ ફરી એકવાર ચોકીદાર ચોર હૈ-ના સૂત્રો સાંભળવા મળ્યા હતા. લગભગ 58 ટકા બિનહિંદુ વોટરો ધરાવતા વાયનાડ લોકસભા મતવિસ્તારમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચાર લાખથી વધુ વોટની સરસાઈથી જીત્યા છે. ત્યારે વાયનાડની મુલાકાત વખતે ગુરુવાયુરમાં શ્રીકૃષ્ણના દર્શન કરીને પીએમ મોદીએ એક મોટો સાંસ્કૃતિક સંદેશ આપ્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નફરત અને ઝેર ફેલાવવાનો આક્ષેપ મૂક્યો છે. પરંતુ રાહુલ ગાંધી દ્વારા ફેલાવાયેલી નકારાત્મકતાને ભારતે નકારી હોવાનું આડકતરી રીતે પીએમ મોદીના ગુરુવાયર ખાતેના સંબોધનમાં જોવા મળે છે.
જો કે 23 મેનો જનતાનો ચુકાદો રાહુલ ગાંધીને સમજમાં આવ્યો નથી અથવા તેઓ સમજવા માંગતા નથી. પરંતુ ગુરુવાયુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના આશિર્વાદ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવની પોતાની પહેલી સત્તાવાર વિદેશ મુલાકાતે પહોંચ્યા છે. તો વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભૂટાનની મુલાકાત પૂર્ણ કરી છે. 2014માં પીએમ તરીકે મોદી પહેલા ભૂટાન ગયા હતા. આ નેબર ફર્સ્ટ વિદેશ નીતિને મજબૂત બનાવતી તેમની માલદીવની મુલાકાત એક રીતે પાકિસ્તાન અને ચીન બંનેને કૂટનીતિક સંદેશ છે. માલદીવ પર ડોળો જમાવનારા પાકિસ્તાન અને ચીનને મુસ્લિમ બહુલ દેશને ભારતનું સમર્થન હોવાનો પણ પીએમ મોદી સંદેશ આપી રહ્યા છે. આઈએસની પણ કેટલીક પ્રવૃતિ માલદીવમાં માથું ઉંચકી રહી છે.
માલદીવ બાદ શ્રીલંકાની મુલાકાત દરમમિયાન પીએમ મોદી ઈસ્ટર બ્લાસ્ટમાં માર્યા ગયેલા 252 લોકોને શ્રદ્ધાંજલિ આપશે. આ મુલાકાત શ્રીલંકાની સાથે ભારત હંમેશા રહેશે અને તેની સાથે દક્ષિણ એશિયામાં માથું ઉંચકી ચુકેલા ગ્લોબલ જેહાદી ટેરર નેટવર્કને પણ પીએમ મોદીની ઈસ્ટર બ્લાસ્ટનો ભોગ બનનારાઓને આપવામાં આવનારી શ્રદ્ધાંજલિ એક જવાબ હશે. અહીંથી ભારત પાછા ફરતી વખતે આંધ્રપ્રદેશમાં તિરુપતિ મંદિરમાં દર્શન કરશે.