નવી દિલ્હી: લેફ્ટિનેન્ટ જનરલ પરમજીતસિંહ ભારતીય સેનાના નવા ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ બનશે. સૂત્રોને ટાંકીને આવેલા અહેવાલ પ્રમાણે, લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહને આતંકવાદ વિરોધી ઓપરેશન્સ સંદર્ભે ઘણો વ્યાપક અનુભવ છે.
સૂત્રો મુજબ, લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહ હાલ ભારતીય સેનાની નાગરોટા બેસ્ડ XVI Corpsના જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે સેવારત છે. તેઓ 15 ઓક્ટોબરે ભારતીય સેનાના નવા ડીજીએમઓ તરીકેનો કાર્યભાર લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાન પાસેથી ગ્રહણ કરશે.
લેફ્ટિનેન્ટ જનરલ ચૌહાણને ભારતીય સેનાની ઈસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ડીજીએમઓ તરીકે લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહ જમ્મુ-કાશ્મીરમાં એલઓસી સહીતના ભારતીય સેનાના ઓપરેશન્સને જોશે.
લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહને કાઉન્ટર ટેરર ઓપરેશન્સનો બહોળો અનુભવ છે. તેઓ 2016માં એલઓસીને પેલે પાર ટેરર લોન્ચ પેડ્સ પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના આયોજનમાં પણ સામેલ થયું છે.
તેઓ ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન અને મઉ ખાતેની આર્મી વોર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિહે કાશ્મીર ખીણમાં સેનામાં વિવિધ પદો પર કાર્યરત રહીને જુદાજુદા ઓપરેશન્સમાં ભાગ લીધો છે.
તેઓ વિશ્વના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન સહીતના પહાડી વિસ્તારોમાં લડવા માટેના યુદ્ધ કૌશલનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે પોતાની સૈન્ય અધિકારી તરીકેની કારકિર્દીમાં મોટાભાગનો સમય જમ્મુ-કાશ્મીરમાં કાઉન્ટર ઈન્સર્જન્સી ઓપરેશન્સ કરવામાં જ ગાળ્યો છે. તેમણે શ્રીલંકામાં એલટીટીઈ સામેના ઓપરેશન્સમાં પણ ભાગ લીધો હતો.
લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહ 1982માં મદ્રાસ રેજિમેન્ટમાં અધિકારી તરીકે કમિશન થયા હતા અને તેમને બાદમાં જાન્યુઆરી – 1984માં પેરાશૂટ રેજીમેન્ટ (સ્પેશ્યલ ફોર્સિસ)માં મોકલવામાં આવ્યા હતા.