લોકસભા ચૂંટણીમાં પ્રચારને લઇને ચૂંટણીપંચ સતત કડક વલણ અપનાવી રહ્યું છે. સોમવારે ઘણા નેતાઓના પ્રચાર પર બેન લગાવ્યા પછી ચૂંટણીપંચની સખ્તાઈની અસરો જોવા મળી છે. ટ્રેનની ટિકિટો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છાપવા પર રેલવેએ પોતાના 4 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. ચૂંટણીપંચે આ ફોટાને લઇને રેલવે વિભાગને નોટિસ મોકલી હતી.
સોમવારે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને કડક કાર્યવાહી ના કરવા પર ઠપકો આપ્યો હતો. તે પછી સૌથી પહેલા પંચે નેતાઓના પ્રચાર પર બેન લગાવ્યો, તો હવે અન્ય ક્ષેત્રોમાં પણ અસર જોવા મળી રહી છે.
રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગંગા સતલજ એક્સપ્રેસ (13308)ના થર્ડ એસીમાં ટિકિટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હતો. આ ટ્રેન બારાબંકીથી વારાણસી માટે જઈ રહી હતી. તેના પર પછીથી બબાલ થઈ હતી અને ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
ત્યારબાદ ચૂંટણીપંચે રેલવેને નોટિસ મોકલી અને હવે રેલવેએ પોતાના કર્મચારીઓ પર કાર્યવાહી કરીને 4 લોકોને સસ્પેન્ડ કરી દીધા છે. રેલવે ટિકિટ પર વડાપ્રધાન આવાસ યોજના (ગ્રામીણ) બધા માટે આવાસની જાહેરાત છપાઈ હતી.
ટિકિટની પાછળ પીએમનો ફોટો પણ છપાયો હતો, તેને લઇને એક વ્યક્તિએ ટ્વિટ કરી દીધી હતી. જેના પર વિવાદ થયો હતો. ચૂંટણી અધિકારીએ સેન્ટ્રલ ઇલેક્શન કમિશનને જણાવ્યું છે કે રેલવેએ ચારેય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેની સાથે જ રેલવે બોર્ડે જૂની ટિકિટ રોલનો ઉપયોગ કરવા પર પણ રોક લગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રેલવેમાં ચૂંટણી પ્રચાર પર વિવાદ થઈ ચૂક્યો હતો. રેલવે ટિકિટ પર પીએમ મોદીની તસવીર ઉપરાંત ‘મેં ભી ચોકીદાર’ છાપેલા કપમાં ચા વહેંચવામાં આવી રહી હતી. જેને લઇને ચૂંટણીપંચમાં ફરિયાદ કરવામાં આવી હતી અને પછીથી કપ હટાવી લેવામાં આવ્યા હતા.
ખોટી નિવેદનબાજી માટે ચૂંટણીપંચે સોમવારે જ યુપી સીએમ યોગી આદિત્યનાથ, બસપા પ્રમુખ માયાવતી, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી અને સપા નેતા આઝમ ખાનના પ્રચાર પર નિશ્ચિત સમય માટે બેન લગાવ્યો હતો.