ખેડૂતોની વધી મુશ્કેલી, હવે તીડના બચ્ચાઓનો આતંક
- કચ્છમાં તીડના ઈંડામાંથી જન્મેલા બચ્ચાંઓએ મચાવ્યો ઉપદ્રવ
- ખેડૂતોની વધી મુશ્કેલી
અમદાવાદઃ પાકિસ્તાન તરફ આવેલા તીડના ઝુંડ હવે ભારતના કચ્છમાં ખેડૂતો માટે મુશ્કેલી બની રહ્યા છે. થોડા સમય પહેલા આવેલા તીડના ટોળાના કારણે ખેડૂતોના માથે મુશ્કેલી તો વધી જ હતી પણ હવે સરહદી કચ્છમાં તીડના આક્રમણ બાદ હવે તેના બચ્ચાઓ ત્રાટકયા છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
ખેડૂતો માટે ક્યારેક પાણીનો ત્રાસ – પાણી મળે કે ન મળે, લાંબી મહેનતથી ખેતરમાં પાક ઉભો કર્યો હોય અને વેચવા જાય ત્યારે યોગ્ય ભાવ ન મળે અને આવી મુશ્કેલીઓની સાથે સાથે તીડ જેવી પણ સમસ્યાઓનો સામનો કરતા હોય છે. ખેડૂતો માટે હાલ તીડ સૌથી મોટું જોખમ છે અને તેનું કારણ છે કે તીડનું ઝુંડ ગણતરીના સમયમાં જ પાકને નષ્ટ કે ખરાબ કરી નાખે છે.
હાલ ખેતરમાં ઉભા પાકના દુશ્મન એવા તીડને કારણે ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે, જોકે તંત્ર દ્વારા બચ્ચાંઓનો નાશ કરવા માટે દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ અહીં તીડ ત્રાટકયા હતા અને રાતવાસો કર્યો હતો. આ દરમિયાન એમને ઈંડા મુક્યા હતા અને હવે ઇંડાઓમાંથી બચ્ચાંઓ બહાર આવવા લાગતા લાખોની સંખ્યામાં તીડ ઉત્પન થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના પાવરપટ્ટીના સુમરાસર, લોરિયા, ઝુરા, ઝુરા કેમ્પ પંથકમાં મોટી સંખ્યામાં તીડના ઈંડામાંથી બચ્ચાંઓ જન્મયા છે. જેથી ખેડૂતો દ્વારા તીડના બચ્ચાંઓને ભગાડવા માટેના વહીવટ તંત્રને જાણ કરાઈ હતી. સીમ વિસ્તારમાં લીલી ઝાડીઓ અને ઘાસચારાનો તીડ સોથ વાળી દેતા પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયાં છે. આ બચ્ચાંઓનો નાશ કરવા તંત્ર દ્વારા યોગ્ય રીતે દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વહેલી સવારે દવા છાંટવાની કામગીરી હાથ ધરાઈ હતી.