ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ, ‘આપ’એ જાહેર કર્યાં 504 ઉમેદવાર
અમદાવાદઃ ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. આ માટે ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને આમ આદમી પાર્ટી પણ ટક્કર આપશે. દરમિયાન આપ દ્વારા 504 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. બીજી તરફ આપની સાથે બીટીવી અને ઓવૈસીએ ગઠબંધન કરીને ચૂંટણીજંગમાં જંપલાવાની જાહેરાત કરી છે. જેથી આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. દરમિયાન આમ આદમી પાર્ટીએ આગામી દિવસમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 504 ઉમેદવારના નામ પણ જાહેર કર્યા હતા.
આમ આદમી પાર્ટી દિલ્હીના ધારાસભ્ય આતિશીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠક પરથી પહેલી વાર ચૂંટણી લડશે. ભાજપ સામે ગુજરાતમાં મજબૂત વિકલ્પ તરીકે ગુજરાતના રાજકારણમાં પ્રવેશી રહી છે. આપ ભાજપને સત્તામાંથી હઠાવવા કામ કરશે. આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાગ લેશે.