- મશહૂર ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન
- કોરોના થી લાંબી જંગ લડ્યા બાદ નિધન
- ફિલ્મ જગતમાં શોકની લહેર છવાઈ
- સૌથી વધુ ગીતો ગાવાના છે રેકોર્ડ
બેંગ્લોર: મશહૂર ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમનું 74 વર્ષની વયે નિધન થયું છે. કોરોનાથી લાંબી જંગ લડ્યા બાદ ચેન્નઈની એમજીએમ હોસ્પિટલમાં તેમણે શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતા. એસપી બાલાસુબ્રમણ્યન 5 ઓગસ્ટે કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમને એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને કોરોનાના ખૂબ જ હળવા લક્ષણો હતા, પરંતુ તેમ છતાં તેને કોઈ રિસ્ક લીધા વગર જ હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય લીધો હતો.
તેમના પુત્ર ચરણે તેમના દુખદ નિધનની ઘોષણા કરી છે. તેમણે બપોરે 1.04 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
ગુરુવારે રાત્રે સમાચાર આવ્યા હતા કે, એસપી સુબ્રહ્મણ્યમની હાલત ખૂબ જ નાજુક છે અને આઇસીયુમાં વેન્ટિલેટર અને ECMO સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે દિગ્ગજ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમની તબિયત ખૂબ જ વધુ બગડી ગઈ છે. મશહૂર અભિનેતા કમલ હાસન તેમને મળવા માટે એમજીએમ હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેમની હાલત ખૂબ જ નાજુક છે અને ડોક્ટર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
એસપી બાલાસુબ્રમણ્યમે આ પહેલા એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કોરોના વાયરસથી સંક્રમણ થવાની વાત ફેંસ સાથે શેર કરી હતી.
તેઓ 5 ઓગસ્ટે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી તે હોસ્પિટલમાં દાખલ હતા. આ પહેલા 13 ઓગસ્ટે તેની હાલત વધુ કથળી હતી, ત્યારબાદ તેણે વેન્ટિલેટર રાખવા પડ્યા હતા. એસપી બાલાસુબ્રમણ્યનના નિધનથી ફિલ્મ જગતમાં શોકનું મોજું કરી વળ્યું છે.
ઘણા મહાન ગીતોને પોતાનો અવાજ આપનારા એસપી બાલાસુબ્રમણ્યમના નિધનથી કેટલાક લોકો સદમા માં છે. તેની કારકિર્દીમાં 5 થી વધુ ભાષાઓમાં 40 હજારથી વધુ ગીતો ગાયા છે. તેમણે તેલુગુ, તમિલ, કન્નડ, હિન્દી અને મલયાલમ ભાષાઓમાં ઉત્તમ ગીતો ગાયા છે. જેને લોકો આજે પણ યાદ કરે છે. સિંગર સિવાય તે મ્યુઝિક ડિરેક્ટર, ડબિંગ આર્ટિસ્ટ અને એક્ટર પણ હતા. બાલાસુબ્રમણ્યને પ્લેબેક સિંગીગ માટે છ વખત નેશનલ એવોર્ડસ પણ મળ્યા હતા, આ ગીતો અલગ – અલગ ભાષાઓમાં હતા. બોલિવૂડમાં તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા. એસપી બાલા સુબ્રમણ્યમે સલમાન ખાન માટે ઘણા ગીતો ગાયા હતા.
એક સમયે બાલા સુબ્રમણ્યમ એટલા વ્યસ્ત હતા કે તે લગભગ 12 કલાકમાં 17 ગીતો ગાઈ લેતા હતા. તેનું નામ સૌથી વધુ ગીતો ગાવાના રેકોર્ડ છે. તેનું નામ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ શામેલ છે.
_Devanshi