લોકસભામાં કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનું નિવેદન, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા અપુરતી નથી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની અછત નથી. આ જાણકારી લોકસભામાં કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે આપી છે. તેમણે કહ્યુ છે કે 2009 બાદ પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં એકસાથે 31 ન્યાયાધીશો કામ પર છે. જો કે 1 જુલાઈ-2019 સુધી રાજ્યોની હાઈકોર્ટમાં 403 ન્યાયાધીશોના પદો ખાલી છે.
રવિશંકર પ્રસાદે લોકસભામાં કહ્યુ છે કે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિ સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સતત ચાલનારી પ્રક્રિયા છે, કારણ કે તા માટે બંધારણીય અધિકારોથી ઘણાં સ્તરો પર ચર્ચા વિચારણા કરીને મંજૂરી લેવી પડે છે.
અદાલતમાં અનામતના મુદ્દા પર રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે આર્ટિકલ-235 પ્રમાણે રાજ્યોમાં જિલ્લા અને સબઓર્ડિનેટ જ્યુડિશરીના સદસ્યો પર પ્રશાસનિક અધિકારી ત્યાંની હાઈકોર્ટમાં હોય છે. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિનો અધિકાર ચીફ જસ્ટિસ પાસે હોય છે. તેના સિવાય રાજ્ય સરકારો હાઈકોર્ટ સાથે વિચાર-વિમર્શ કરીને નિયુક્તિ, પ્રમોશન અને અનામત માટે નિયમ બનાવે છે. માટે કેન્દ્ર સરકારની આમા કોઈ ભૂમિકા નથી.
મહત્વપૂર્ણ છે કે ન્યાયાધીશોની નિયુક્તિને લઈને કોલેજિયમ અને કેન્દ્ર સરકારમાં તકરાર થઈ ચુકી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે. એમ. જોસેફની નિયુક્તિને લઈને જ્યારે કોલેજિયમે ભલામણ કરી હતી, ત્યારે પણ કેન્દ્ર સરકારે વાંધો વ્યક્ત કર્યો હતો. તેના પર ઘણો વિવાદ થયો હતો. જો કે બાદમાં જસ્ટિસ જોસેફની નિયુક્તિ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં સુપ્રીમ કોર્ટના ટોચના પાંચ ન્યાયાધીશો સામેલ હોય છે. તેમાં મુખ્ય ન્યાયાધીશો સિવાય અનુક્રમે ટોચ અન્ય ચાર ન્યાયાધીશો સામેલ હોય છે. અત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ સિવાય જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ રમના, જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ નરીમન સામેલ છે.