અમદાવાદઃ સમગ્ર ભારતમાં આજે 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે, સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ એશિયાટિક લાયન વસવાટ છે. ગુજરાતની ઓખળ સમાન એશિયાટિક લાયનની જાળવણી માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે જ સિંહોની સંખ્યામાં વધારો થયો છે. હાલ 674 જેટલા સાવજો ગીરના જંગલમાં વસવાટ કરે છે. તાજેતરમાં જ વન વિભાગ દ્વારા વનરાજોની વસતી ગણતરી કરવામાં આવી હતી. એક વખત સૌરાષ્ટ્રનો ભાગ આફ્રિકા ખંડ સાથે જોડાયેલો હતો. ભયંકર ભુકંપ આવવાને કારણે આફ્રિકા ખંડમાં જે સ્થળે સિંહોની વસ્તી હતી તે ભૂભાગની પ્લેટ ખસી ગઇ અને આ ભાગ એશિયાખંડ્માં હિન્દુસ્તાન સાથે જોડાઇ હતો અને જૂનાગઢનું ગીર સિંહોનું ઘર બન્યું હોવાનું સિંહ પ્રેમીઓ માને છે. તેમજ જાણકારો અનુસાર એશિયનટિક લાયનનો પ્રવેશ ભારતમાં લગભગ 50 હજાર વર્ષ પહેલા થયો હોવાનું મનાઈ રહ્યું છે.
ગુજરાતમાં વાઘ લુપ્ત થઈ ગયાં છે. જો કે, એશિયનટીક લાયનના કારણે ગુજરાતની ઓળખ સમગ્ર દુનિયામાં છે. એક અંદાજ પ્રમાણે એશિયાટીક સિંહ ભારતદેશમાં લગભગ 50,000 થી 1,00,000 વર્ષ પહેલા પ્રવેશ્યા હતા. લગભગ 1880થી 1890 સુધીમાં દેશમાંના અન્ય રાજ્યોમાંથી ધીરેધીરે સિંહ લુપ્ત થયાં હતા. જો કે, ફક્ત ગીરના જંગલ પૂરતા તે સિમીત રહી ગયા. જૂનાગઢ નવાબે સિંહની વસ્તીને પર્યાપ્ત રક્ષણ પુરૂ પાડતા 1904થી 1911ના વર્ષ સુધીમાં સિંહની વસ્તી વધી હતી. તેમજ 1911થી સિંહના શિકાર ઉપર ચુસ્તપણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
જુનાગઢના નવાબ દ્વારા સને 1900ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને “રક્ષિત” જાહેર કર્યો હતો. જૂનાગઢના ગીર જંગલમાં સરકાર દ્વારા વનરાજોના સંરક્ષણ માટે વિવિધ પગલા લેવામાં આવ્યાં છે. ‘સિંહ પ્રજનન કાર્યક્રમ’ હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં, બંધીયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની 180 નસ્લને રક્ષણ અપાયેલ છે. દરમિયાન એપ્રિલ 2005ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં 359 સિંહ નોંધાયેલા હતા. એપ્રિલ 2010ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં 411 સિંહ નોંધાયેલા હતા. 2015ની વસતિ ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહ નોંધવામાં આવ્યા હતા. તાજેતરમાં જ સિંહોની વસતી ગણતરી કરવામાં આવી હતી અને હાલ લગભગ 674 જેટલા સાવજો ગીર જંગલમાં વસવાટ કરી રહ્યાં છે. આમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં વનરાજોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયો છે.