યેદિયુરપ્પા ફ્લોર ટેસ્ટમાં પાસ થતાની સાથે કર્ણાટકના સ્પીકર રમેશ કુમારે આપ્યું રાજીનામું
લાંબા રાજકીય ઘમાસાણ બાદ કર્ણાટકમાં સત્તા બદલાઈ ગઈ છે અને યેદિયુરપ્પા સરકારે સોમવારે વિધાનસભામાં બહુમતી પણ પ્રાપ્ત કરી લીધી છે. વિપક્ષ તરફથી મત વિભાજનની માગણી કરવામાં આવી ન હતી. સરકારના બહુમતી પરીક્ષણ દરમિયાન મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યુ છે કે તેઓ દરેક મિનિટ રાજ્યના વિકાસ માટે કામ કરશે.
કર્ણાટક વિધાનસભામાં બી. એસ. યેદિયુરપ્પાના ફ્લોર ટેસ્ટમાં પાસ થયા બાદ સ્પીકર રમેશ કુમારે રાજીનામું આપ્યું છે. તેમણે ક્હયુ છે કે હું પદને છોડવા માંગુ છું અને જે ડેપ્યુટી સ્પીકર છે તેઓ હવે આ પદને સંભાળશે. તેની સાથે જ કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી સાંજ પાંચ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે કર્ણાટક વિધાનસભામાં હાલ 207 ધારાસભ્યો છે. તેથી બહુમતી માટે 104 ધારાસભ્યોના ટેકાની જરૂરત હતી અને ભાજપની પાસે 105 ધારાસભ્યો છે અને એક અપક્ષ ધારાસભ્યનો પણ તેને ટેકો છે.
વિશ્વાસ મત વખતે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ કહ્યુ હતુ કે તમે લોકો હવે સરકારમાં છે, માટે ધારાસભ્યો પર રાજીનામાનું દબાણ બનાવવાનું સમાપ્ત કરો. તેમણે કહ્યુ હતુ કે જો સરકાર સારું કામ કરે છે, તો તેઓ સરકારનું સમર્થન કરશે.