નવી દિલ્હી: શ્રીલંકામાં થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ દક્ષિણ ભારતમાં પણ સુરક્ષાને લઈને સાવધાની દાખવવામાં આવી રહી છે. તેની વચ્ચે કર્ણાટક પોલીસના ડીજી-આઈજીપીનું કહેવું છે કે એક શખ્સે તેમને ફોન કરીને દાવો કર્યો છે કે તેને એ વાતની ખબર છે કે આતંકી કર્ણાટક સહીત લગભગ આઠ રાજ્યોમાં હુમલાનો અંજામ આપવાની સાજિશ કરી રહ્યા છે.
તેમા જણાવવામાં આવ્યું છે કે આતંકી ટ્રેનોને નિશાન બનાવી શકે છે. તે ફોન કરનાર શખ્સે એમ પણ જણાવ્યુ છે કે તમિલનાડુના રામનાથપુરમમાં લગભગ 19 આતંકીઓ પણ હાજર છે. આ આતંકીઓ કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપી શકે છે.
મીડિયા અહેવાલો પ્રમાણે, ખુદને લોરી ડ્રાઈવર ગણાવતા એક શખ્સે શુક્રવારે સાંજે બેંગલુરુ પોલીસને કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે તેની પાસે એવી માહિતી છે કે તેલંગાણા, પુડ્ડુચેરી, ગોવા, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના મોટા શહેરો આતંકીઓના નિશાને છે.
કર્ણાટકના ડીજી આઈજીપીએ અન્ય રાજ્યોને પત્ર લખીને હુમલા સંદર્ભે એલર્ટ કર્યા છે. કર્ણાટક પોલીસે તમામ સંબંધિત રાજ્યોની પોલીસને સાવચેતીના તમામ જરૂરી પગલા ઉઠાવવા માટે જણાવ્યું છે.
આ ફોન આવ્યા બાદ કર્ણાટકમાં સિક્યોરિટીને લઈને વધારાની સાવધાની દાખવવામાં આવી રહી છે અને પોલીસ આ ફોન કોલ તથા મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. તેની સાથે જ ફોન કરનાર શખ્સના લોકેશનને ટ્રેક કરવાની કોશિશમાં પણ પોલીસ લાગેલી છે.
તો મીડિયા રિપોર્ટો પ્રમાણે એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચેન્નઈ પોલીસ ઓફિસમાં પણ એક શખ્સે ફોન કરીને તમિલનાડુના મુખ્ય ધાર્મિક શહેર રામેશ્વરમમાં મશહૂર પંબન સી બ્રિજને ઉડાવી દેવાની ધમકી આપી છે. તેના પછી પોલીસે બોમ્બ ડિટેક્શન સ્ક્વોર્ડ અને સ્નિફર ડોગ્સની સાથે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
મહત્વપૂર્ણ છે કે ઈસ્ટરના પર્વ પર શ્રીલંકાના કોલંબો શહેરમાં વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટોમાં ઘણાં લોકોના મોત નીપજ્યા હતા અને તેના કારણે દહેશત ફેલાઈ હતી તો વૈશ્વિક સ્તરે ઈસ્ટર પરના આતંકી હુમલાને કારણે આઈએસના આતંકીઓ પર ફિટકારની લાગણી વરસાવાઈ રહી હતી.