ભાજપના નેતા બી. એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે ચોથી વખત બેંગલુરુ ખાતે રાજભવનમાં શપથગ્રહણ કર્યા છે. તેમને રાજ્યપાલ વજુભાઈ વાળાએ શપથ ગ્રહણ કરાવ્યા છે. જો કે હાલ યેદિયુરપ્પાએ જ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. જણાવવામાં આવે છે કે ફ્લોર ટેસ્ટ બાદ તેમના પ્રધાનો શપથગ્રહણ કરશે. આ પહેલા કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપ તરફથી દાવો રજૂ કરવામાં આવ્યો અને રાજ્યના ગવર્નર સાથે ભાજપ વિધાયક દળના નેતા તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પાએ મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. 434 દિવસ બાદ યેદિયુરપ્પાએ ફરીથી મુખ્યપ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા છે.

કર્ણાટકમાં કોંગ્રેસે આકરી હિદાયત છતા પાર્ટીના બળવાખોર ધારાસભ્ય રોશન બેગ બી. એસ. યેદિયુરપ્પાના શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને યેદિયુરપ્પાના શપથગ્રહણ સમારંભથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.

Karnataka: BJP State President BS Yediyurappa takes oath as Chief Minister at Raj Bhavan in Bengaluru. pic.twitter.com/5tEFE8GnHN
— ANI (@ANI) July 26, 2019
રાજ્યપાલ સાથે મુલાકાત કરીને યેદિયુરપ્પાએ 105 ધારાસભ્યોનો ટેકો હોવાનો પત્ર સોંપ્યો હતો અને જણાવ્યું હતું કે તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. બાદમાં યેદિયુરપ્પાએ ક્હ્યુ હતુ કે રાજ્યપાલે તેમને સરકાર બનાવવાની મંજૂરી આપી દીધી છે.
યેદિયુરપ્પાએ શપથગ્રહણ સમારંભ પહેલા પોતાના નામના સ્પેલિંગમાં ફેરફાર કરીને B.S. Yeddyurappaના સ્થાને B.S. Yediyurappa લખ્યું હતું.
