કર્ણાટક : કોંગ્રેસ-જેડીએસના 11 ધારાસભ્યોના રાજીનામા, ભાજપની સરકાર બનવાનો માર્ગ થયો મોકળો?
કર્ણાટકમાં એચ. ડી. કુમારસ્વામીની આગેવાનીવાળી કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પર સંકટ વધી રહ્યું છે. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના 11 ધારાસભ્યો રાજીનામા આપવા માટે વિધાનસભાના સ્પીકરના કાર્યાલય પહોંચ્યા હતા અને તેમણે રાજીનામા આપી દીધી છે. આ ધારાસભ્યોના રાજીનામાને કારણે મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીની સરકાર ખતરામાં દેખાઈ રહી છે અને સરકાર બનાવવા માટે ભાજપ માટે માર્ગ મોકળો થતો દેખાઈ રહ્યો છે.
કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠકો છે. બહુમતી માટે 113 ધારાસભ્યો જરૂરી છે. હાલ ભાજપના 105 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસના 80 અને જેડીએસના 37 ધારાસભ્યો છે. આમ કોંગ્રેસ-જેડીએસના 117 ધારાસભ્યો છે. બીએસપી અને અપક્ષ ધારાસભ્ય પણ ગઠબંધનની સરકારને ટેકો આપી રહ્યા છે.
થોડા દિવસો પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામા અને એક ધારાસભ્યની હકાલપટ્ટી બાદ કોંગ્રેસ પાસે કર્ણાટકમાં 77 ધારાસભ્યો છે. કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોની કુલ સંખ્યા 114 થઈ ચુકી છે. ભાજપ પહેલેથી દાવો કરતું રહ્યું છે કે કોંગ્રેસના 6 અને જેડીએસના બે ધારાસભ્યો ગુપ્તપણે તેમને ટેકો આપી ર્હયા છે, જેઓ થોડા સમયગાળામાં રાજીનામું આપી દેશે.
ભાજપ રાજ્યમાં સરકાર બનાવવાની આશા લગાવીને બેઠું છે અને સતત તેના માટે દાવો પણ કરી રહ્યું છે. જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી કુમારસ્વામીની મુશ્કેલીઓ વધી રહી છે. પરંતુ ભાજપ હજી સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. તેના કારણે ભાજપ સાયલન્ટ ઓપરેશન લોટસ ચલાવી રહ્યું છે, જેથી આવી સ્થિતિ બને જ્યારે કુમારસ્વામી બહુમતીથી નીચે આવી જાય અને ભાજપ પોતાની સરકાર બનાવવાનો દાવો રજૂ કરે.
મહત્વપૂર્ણ છે કે ઓપરેશન લોટર દ્વારા ભાજપ 2008માં પણ કર્ણાટકમાં સરકાર બનાવવામાં સફળ રહ્યું હતું. તે સમયે ભાજપે 224માંથી 110 બેઠકો જીતી હતી. તેવામાં બહુમતીનો આંકડો સ્પર્શવા માટે ભાજપે ઓપરેશન લોટસનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ અને જેડીએસના આઠ ધારાસભ્યોએ અંગત કારણોસર વિધાનસભામાંથી રાજીનામા આપી દીધા હતા.
તેના પછી આ તમામ નેતાઓને ભાજપે પોતાના ચૂંટણી ચિન્હ પર વિધાનસભાની પેટાચૂંટણી લડાવી હતી. તેમાંથી પાંચ જીત્યા અને ત્રણ હાર્યા હતા. આમ ભાજપે બહુમતી માટેનો મેજિક ફિગર પ્રાપ્ત કર્યો હતો. આ વખતે પણ ભાજપની રણનીતિ સફળ રહે છે, તો કુમારસ્વામીની આગેવાનીવાળી કોંગ્રેસ-જેડીએસની સરકાર માટે આગામી દિવસો મુશ્કેલી ભરેલા સાબિત થવાની શક્યતા છે.