તહલકાના ભૂતપૂર્વ એડિટર ઈન ચીફ તરુણ તેજપાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે તેજપાલની અરજીને નામંજૂર કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર હવે તેજપાલ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ ચાલશે. તેની સાથે ગોવાની નીચલી અદાલતમાં સુનાવણી પર લગાવવામાં આવેલી રોકને પણ સુપ્રીમ કોર્ટે હટાવી લીધી છે.
સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને કહ્યું છે કે 6 માસમાં ટ્રાયલ પૂર્ણ કરે. મહત્વપૂર્ણ છે કે તેજપાલ પર મહિલા સહકર્મી સાથે બળાત્કાર અને યૌન ઉત્પીડનનો આરોપ છે॥ 2017માં ગોવાની નીચલી અદાલતે તેજપાલ પર રેપ અને યૌન ઉત્પીડન સહીતની અન્ય કલમો હેઠળ આરોપ નિર્ધારીત કર્યા હતા. તેને તેજપાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા.
સુનાવણી દરમિયાન ગોવા પોલીસનો દાવો હતો કે આ સમયે વ્હોટ્સએપ સંદેશ અને ઈમેલ એ દર્શાવે છે કે યૌન ઉત્પીડનના મામલામાં તેજપાલે કેસનો સામનો કરવો જોઈએ. પોતાની વિરુદ્ધ નિર્ધારીત આરોપોને નામંજૂર કરવા સાથે જોડાયેલી તેજપાલની અરજીનો વિરોધ કરતા પોલીસે કોર્ટમાં પુરતા પુરાવા હોવાની દલીલ આપતા કહ્યું હતું કે તથ્ય દર્શાવે છે કે તેજપાલની વિરુદ્ધ કેસ ચલાવવો જોઈએ.
મહત્વપૂર્ણ છે કે સ્ટિંગ ઓપરેશનથી ચર્ચામાં આવેલા તહલકા મેગેઝીનના સંસ્થાપક સંપાદક તરુણ તેજપાલ પર તહલકામાં જ કાર્યરત એક યુવતીએ 2013માં રેપનો આરોપ લગાવ્યો હતો. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેજપાલે ગોવાની એક ફાઈવસ્ટાર હોટલની લિફ્ટમાં બે વખત તેની સાથે જાતીય સતામણી કરી હતી. આરોપો પ્રમાણે, આ ઘટના ત્યારે થઈ હતી, જ્યારે ગોવામાં તહલકાનો થિંક ફેસ્ટ ચાલી રહ્યો હતો.
આરોપોથી ઘેરાયેલા તેજપાલે ત્યારે ખુદ પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નામંજૂર કરી દીધા હતા. તેજપાલે અદાલતમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરી હતી. પરંતુ રાહત મળી ન હતી. તેજપાલની આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ ક્રાઈમ બ્રાંચે 30 નવેમ્બર-2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
તેજપાલ મે-2014થી જામીન પર છે. તેજપાલે મામલાની સુનાવણી કરી રહેલી ગોવાની અદાલત તરફથી આરોપ નિર્ધારીત કર્યા બાદ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેજપાલે 20 ડિસેમ્બર-2017ના રોજ આરોપોને નામંજૂર કરવાની અપીલ કરતા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેને હાઈકોર્ટે નામંજૂર કરી હતી. બાદમાં તેજપાલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.