- જેએનયુએ ઈતિહાસકાર રોમિલા થાપરનો સીવી માંગ્યો
- રોમિલા થાપર જેએનયુમાં એમેરિટ્સ પ્રોફેસર
- 49 વર્ષથી રોમિલા થાપર જેએનયુમાં કરે છે અધ્યાપન કાર્ય
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 49 વર્ષોથી સેવા આપી રહેલા ડાબેરી ઝોક ધરાવતા ઈતિહાસકાર રોમિલા થાપર પાસે યુનિવર્સિટી પ્રશાસને પોતાનો સીવી માંગ્યો છે. આટલી લાંબી સેવા અવધિ બાદ થાપર પાસે સીવી માંગવા પર યુનિવર્સિટીના જ કેટલાક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. થાપર 1970માં જેએનયુમાં જોડાયા હતા અને 1992 સુધી પ્રાચીન ભારતીય ઈતિહાસના પ્રોફેસર પણ રહી ચુક્યા છે. ફરીથી તેઓ 1993થી અમેરિટ્સ પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. યુનિવર્સિટી પ્રશાસન સેવા વિસ્તાર પહેલા તેમના કામનું મૂલ્યાંકન કરવા ચાહે છે.
જેએનયુ રજિસ્ટ્રાર પ્રમોદ કુમાર તરફથી ઈતિહાસકાર રોમિલા થાપરને આના સંદર્ભે પત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગત મહીને જાહેર કરવામાં આવેલા પત્રમાં યુનિવિર્સિટી પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના કામનું આકલન કરવા ચાહે છે, તેના માટે તેમના સીવીની જરૂરિયાત છે.
રજિસ્ટ્રાર તરફથી જાહેર કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું કે યુનિવર્સિટી પ્રશાસને તેમના કાર્યના મૂલ્યાંકન માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિ પોતાનો રિપોર્ટ આપશે. રિપોર્ટના આધાર પર જ તેમની સેવાઓને ચાલુ રાખવી અથવા નહીં તેના સંદર્ભે નિર્ણય કરવામાં આવશે.
કોઈ વિભાગ તરફથી પ્રસ્તાવિત સેવાનિવૃત્ત ખ્યાતિપ્રાપ્ત નામને કાર્યકારી અથવા એકેડેમિક પરિષદની મંજૂરી મળ્યા બાદ એમેરિટ્સ પ્રોફેસર તરીકે મનોનીત કરવામાં આવે છે. આ શોધાર્થીઓને ભણાવવાની સાથે તેમને સુપરવાઈઝ કરે છે. જો કે તેમને કોઈ નાણાંકીય લાભ આપવામાં આવતો નથી.
રોમિલા થાપર દેશના મુખ્ય ઈતિહાસકારો અને લેખકોમાંથી એક છે. 30 નવેમ્બર-1931ના રોજ લખનૌમાં જન્મેલા રોમિલા થાપરે પહેલા પંજાબ યુનિવર્સિટીથી અંગ્રેજીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે. તેના પછી તેમણે લંડન યુનિવર્સિટીમાંથી પ્રાચીન ભારતીય ઈતિહાસમાં સ્નાતકથી ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. રોમિલા થાપરે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી શિક્ષણની શરૂઆત કરી હતી. તેના પછી તે કેટલાક વર્ષો સુધી ડીયુમાં પણ ભણાવતા હતા. 1970માં તેઓ જેએનયુમાં આવી ગયા.
જેએનયુ શિક્ષક સંઘના અધ્યક્ષ અને સચિવે યુનિવર્સિટીના પત્રને કડક શબ્દોમાં વખોડયો છે. શિક્ષક સંઘનુંકહેવું છે કે પ્રશાસને પત્ર લખીને જેએનયુની સંસ્કૃતિને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. એમેરિટ્સ પ્રોફેસર માટે કોઈને પણ મનોનીત કરવા સમ્માનની વાત છે, જે જીવનભર માટે જેએનયુના ભવ્ય નિર્માણમાં સેવાઓના બદલે આપવામાં આવે છે.
યુનિવર્સિટી પ્રશાસને મામલા પર પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે કે જેએનયુ અધિનિયમ પ્રમાણે જો કોઈ એમિરિટ્સ પ્રોફેસર 75 વર્ષની વય પૂર્ણ કરી લે છે, તો તેમના કામના મૂલ્યાંકનનો અધિકાર યુનિવર્સિટી પ્રશાસનની પાસે રહે છે. સીવી માંગવું આ પ્રક્રિયાનો ભાગ છે.