આતંકી બુરહાન વાનીની વરસી પર કાશ્મીર ખીણ બંધનું એલાન, સુરક્ષાદળો પર હુમલાની આશંકાનું એલર્ટ
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી સંગઠનોએ આતંકવાદી બુરહાન વાનીની ત્રીજી વરસી (આઠમી જુલાઈ) પર રવિવારે સાતમી જુલાઈએ બંધનું એલાન આપ્યું છે. આ બંધનું એલાન સંયુક્ત મંચ જોઈન્ટ રેજિસ્ટેન્સ લીડરશીપે આપ્યું છે. ભાગલાવાદીઓના આ બંધના એલાન દરમિયાન ગુપ્તચર એજન્સઓએ સુરક્ષાદળો પર હુમલાની આશંકા વ્યક્ત કરી છે.
જાણકારી પ્રમાણે, જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી સંગઠનોના સંયુક્ત મંચ જોઈન્ટ રેજિસ્ટેન્સ લીડરશિપે સાતમી જુલાઈએ રવિવારે કાશ્મીર ખીણમાં પૂર્ણ બંધનું એલાન આપ્યું હતું. ભાગલાવાદીઓના બંધની વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાદળો પર હુમલાની આશંકા વ્યક્ત કરી છે. ગુપ્તચર સૂત્રો પ્રમાણે, આતંકવાદીઓ સ્નાઈપર અને એલઈડીથી હુમલો કરે તેવી શક્યતા છે. ગુપ્તચર અહેવાલ બાદ સેના હાઈ એલર્ટ પર છે. કાશ્મીર ખીણમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.
આતંકવાદી બુરહાન વાનીના મોત બાદ કાશ્મીર ખીણમાં ઉપદ્રવ મચાવનારા ભાગલાવાદીઓએ ગત વર્ષ પણ બંધનું એલાન આપ્યું હતું. તેના કારણે અમરનાથ યાત્રા પર નીકળેલા હજારો શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા હતા.
આતંકવાદી બુરહાન વાનીનો ઉલ્લેખ પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના સંબોધનમાં કર્યું હતું. નવાઝે બુરહાનને યુવા નેતા ગણાવ્યો હતો. શરીફના શરાફતથી દૂર એવા નિવેદન પર ભારતે આકરો વાંધો વ્યક્ત કર્યો હતો. નવાઝ શરીફના મુખેથી બુરહાન વાનની પ્રશંસા સાંભળ્યા બાદ બુરહાન વાનીના પિતા મુઝફ્ફરવાનીએ કહ્યુ હતુ કે આ તેને સારું લાગ્યું.
સૈયદ અલી ગિલાની, મીરવાઈઝ ઉમર ફારુક અને મુહમ્મદ યાસિન મલિકની આગેવાનીવાળા ભાગલાવાદી દળોના એક સમૂહે જેઆરએલના લોકોને અપીલ કરી હતી કે તેઓ બુરહાન વાનીની કથિત શહાદતને યાદ રાખીને સોમવારે કાશઅમીર બંધ કરે. ભાગલાવાદીઓએ આતંકવાદી સંગઠન હિઝ્બુલ મુજાહિદ્દીનના પોસ્ટર બોય બુરહાન વાનીને તેની ત્રીજી વરસી પર યાદ કરવા માટે સોમવારે કાશ્મીર વ્યાપી વિરોધ તથા બંધની હાકલ કરી છે. તેના પછી અધિકારીઓએ રવિવારે દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સુવિધાઓને સસ્પેન્ડ કરી દીધી છે.
ભાગલાવાદીઓની યોજના પર પ્રતિક્રિયા આપતા અધિકારીઓએ રવિવારે અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયાં જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓને સસ્પેન્ડ કરી છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે કાશ્મીર ખીણમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અન્ય નિવારક પગલા ઉઠાવવામાં આવશે. દક્ષિણ કાશ્મીરના કુલગામ, અનંતનાગ અને પુલવામા જિલ્લામાંથી પસાર થનારા જમ્મુ અને શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહેલેથી જ સુરક્ષાદળોને મોટી સંખ્યામાં તેનાત કરવામાં આવ્યા છે. પહેલી જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા 15મી ઓગસ્ટ સુધી ચાલશે. તેના માટે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ કરવામાં આવે છે.
હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડરોમાંથી એક આતંકી બુરહાન વાનીને સેનાએ 8મી જુલાઈ-2016ના રોજ ઠાર કર્યો હતો. જાણકારી પ્રમાણે, બુરહાન વાનીને તેની ગર્લફ્રેન્ડના માધ્યમથી બોલાવવામાં આવ્યો હતો. તે જે મકાનમાં હતો, સેના દ્વારા તે મકાનને આગ લગાવી દેવામાં આવી હતી. જેવો આતંકી બુરહાન વાની જીવ બચાવવા માટે બહાર નીકળ્યો કે તેને સેનાએ ઠાર માર્યો હતો.
બુરહાનના ઠાર થયા બાદ આખી કાશ્મીર ખીણમાં હિંસા ભડકી ઉઠી હતી. તે વખતે કાશ્મીરમાં થયેલી હિંસક ઘટનાઓમાં ડઝનબંધ લોકો ઠાર થયા હતા. જ્યારે ઘણાં સૈનિકો પણ શહીદ થઈ ગયા હતા. હજારો નાગરિક અને સૈનિક ઈજાગ્રસ્ત થયા હતા. બુરહાન વાનીના ઠાર થયા બાદ કાશ્મીર ખીણમાં મોટા પ્રમાણમાં થયેલી હિંસામાં સેંકડો નાગરિકો અને સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા.