વિપક્ષી નેતાઓ સાથે કાશ્મીરની મુલાકાતની રાહુલ ગાંધીની ચાહત નહીં થાય પુરી, ગવર્નર નહીં આપે મંજૂરી
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આ માગણીને નામંજૂર કરી છે કે વિપક્ષના નેતાઓને કાશ્મીરની મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવે.
જમ્મુ-કાશ્મીર રાજભવને એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે વિપક્ષી પાર્ટીઓના નેતાઓની મુલાકાતથી સમસ્યાઓ વધશે અને સ્થાનિક લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે રાજ્યપાલ સત્યપાલ મલિકને વિપક્ષી દળોના નેતાઓને કાશ્મીર ખીણની મુલાકાત કરવાની અને લોકો સાથે વાત કરવાની મંજૂરી આપવી જોઈએ.
આના જવાબમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુ છે કે રાહુલ ગાંધી આ મામલાનું રાજનીતિકરણ કરી રહ્યા છે. મલિકે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર રાહુલ ગાંધી કદાચ કોઈ ફેક ન્યૂઝને જોઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુ છે કે કેટલીક મામૂલી ઘટનાઓને છોડીને રાજ્યની સ્થિતિ શાંતિપૂર્ણ છે.