અનુચ્છેદ-370 હટાવાયા બાદ સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે જમ્મુ-કાશ્મીર જશે એનએસએ અજીત ડોભાલ
કેન્દ્રની મોદી સરકારના નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરમાં હલચલ તેજ બની છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે એટલે કે શુક્રવારે શ્રીનગર પહોંચે તેવી શક્યતા છે. જણાવવામાં આવે છે કે ડોભાલ પોતાની યાત્રા દરમિયાન રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હાલના સમયમાં અર્ધલશ્કરી દળોના લગભગ એક લાખ જવાનો મોરચો સંભાળી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં હલચલ તેજ છે. શ્રીનગર અને જમ્મુમાં કલમ-144 લાગુ થઈ ચુકી છે.
બંને શહેરોમાં મોબાઈલ, ઈન્ટરનેટ સેવા પણ બંધ છે. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે મોબાઈલ, ઈન્ટરનેટ સેવાઓ સાથે લેન્ડલાઈન સર્વિસને પણ બંધ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે કારગીલ યુદ્ધ દરમિયાન પણ લેન્ડલાઈન સર્વિસને બંધ કરવામાં આવી ન હતી.
શ્રીનગર અને જમ્મુમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. સામાન્ય લોકોને બહાર કાઢવા માટે કહેવામાં આવ્યું છે. તેવામાં લોકોના ગ્રુપમાં એખ સાથે નીકળવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. આખી કાશ્મીર ખીણમાં મોબાઈલ ઈન્ટરનેટ પર રોક લગાવી દેવામાં આવી છે. પહેલા માત્ર મોબાઈલ સેવા રોકવામાં આવી અને તેના પછી લેન્ડલાઈન સર્વિસ પણ રોકવામાં આવી છે. તેવામાં સુરક્ષાદળોને હવે સેટેલાઈટ ફોન આપવામાં આવ્યા છે, જેથી કોઈપણ સ્થિતિને સંભાળી શકાય.
જમ્મુ-કાશ્મીર પર ચાલી રહેલી તમામ અટકળો થંભી ગઈ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે પાંચમી ઓગસ્ટે રાજ્યસભામાં બે મહત્વના સંકલ્પ રજૂ કર્યા હતા.
આ સંકલ્પમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવી અને જમ્મુ-કાશ્મીર રાજ્યના બે ભાગમાં વહેંચવાનો સંકલ્પ સામેલ છે. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ હશે. આ પ્રદેશની પોતાની વિધાનસભા હશે. જ્યારે લડાખ હવે જમ્મુ-કાશ્મીરથી અલગ એક કેન્દ્રશાસિત પ્રદેશ હશે. લડાખમાં વિધાનસભા નહીં હોય.
સંસદમાં અમિત શાહે કહ્યુ હતુ કે કાશ્મીરમાં આ ભૂલ ભરેલી ધારણા છે કે અનુચ્છેદ-370ને કારણે કાશ્મીર ભારતની સાથે છે. અમિત શાહે કહ્યુ છે કે કાશ્મીર ભારતના વિલયપત્રને કારણ છે, જેના પર 1947માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ છે કે વોટબેંકના કારણે ગત દિવસોમાં તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ અમારી પાસે ઈચ્છાશક્તિ છે તથા અમે વોટબેંકની પરવાહ કરતા નથી. અમિત શાહે કહ્યુ છે કે અનુચ્છેદ-370ને હટાવવામાં હવે એક સેકન્ડનો પણ વિલંબ કરવો જોઈએ નહીં. અમિત શાહે કહ્યુ છે કે તેઓ આ મુદ્દા પર ડિબેટ અને ચર્ચા માટે તૈયાર છે.