કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશમીર હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે અને લડાખ પણ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે. લડાખ વિધાનસભા વગરનું અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાવાળું કેન્દ્રશાસિત પ્રદેશ હશે. જમ્મુ-કાશ્મીરમાં હવે વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે. મોદી સરકારે ભલે અનુચ્છેદ-370ને નબળો બનાવ્યો છે, પરંતુ તે હજી પણ લાગુ છે, પણ નામમાત્રનો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં પોતાના નિવદેનમાં કહ્યુ છે કે ભારતના બંધારણના અનુચ્છેદ-370ના ખંડ – 1 સિવાયના તમામ ખંડોને રદ્દ કરવામાં આવશે. ખંડ-1 ભારતના રાષ્ટ્રપતિને ઘણાં અધિકાર આપે છે. તેના પ્રમાણે રાષ્ટ્રપતિ જમ્મુ-કાશ્મીરના રાજ્ય વિષયોના લાભ માટે બંધારણમાં અપવાદ અને સંશોધન કરવાની શક્તિ ધરાવે છે. તે શક્તિનો ઉપયોગ કરતા સરકારે આ જોગવાઈઓને સમાપ્ત કરી દીધી છે. જો કે અનુચ્છેદ-370નો ખંડ-1 યથાવત રહેશે.
આ સમજૂતી 1952માં ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને જમ્મુ-કાશ્મીરના તત્કાલિન વડાપ્રધાન શેખ અબ્દુલ્લા વચ્ચે થઈ હતી. આ અધિકારનો ઉપયોગ કરતા તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે રાજ્યમાં કલમ-35-એ લાગુ કરી હતી.
સરકારના આદેશનો અર્થ છે કે –
જમ્મુ-કાશ્મીરનું અલગ બંધારણ નહીં હોય.
જમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ નહીં હોય
જમ્મુ-કાશ્મીરમાં દેશ અને રાજ્યોના લોકો જમીન ખરીદી શકશે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ટર્મ પાંચ વર્ષની હશે.
જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તે દિલ્હીની જેમ કામ કરશે
લડાખ એક અલગ રાજ્ય બની ગયું છે. જો કે તે માત્ર ચંદીગઢની જેમ કામ કરશે.
રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે આ પ્રસ્તાવ રજૂ કર્યો, તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. સંસદમાં કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે અને આજના દિવસને લોકશાહીનો કાળો દિવસ ગણાવ્યો છે. જો કે સંસદમાં ઘણી પાર્ટીઓ એવી છે કે તેમને કલમ-370ને નબળી કરવાનું સમર્થન કર્યું છે.