નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ – 370ના હટાવાયા બાદથી હવે સ્થિતિ સામાન્ય રહી છે. જીવન પાટા પર પાછું ફરવા લાગ્યું છે. મંગળવારે શ્રીનગર શહેરના વ્યાવસાયિક કેન્દ્ર લાલચોક પર ઘંટાઘર નજીક આસપાસ લગાવવામાં આવેલા બેરિકેડને 15 દિવસ બાદ હટાવી લેવામાં આવ્યા છે. આ વ્યાવસાયિક કેન્દ્ર પર લોકો અને વાહનોને આવાગમનની મંજૂરી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે, જ્યારે કેટલાક અન્યમાં આવી રોક ચાલુ રાખવામાં આવી છે. અધિકારીઓએ કહ્યુ છે કે સોમવારે ફરીથી ખુલેલી મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં કોઈ વિદ્યાર્થી જોવા મળ્યા નથી. પરંતુ સરકારી કાર્યાલયોમાં કર્મચારીઓની હાજરીમાં સુધારો થયો છે.
તેમણે કહ્યુ છે કે શહેરના સિવિલ લાઈન્સ વિસ્તારના કેટલાક ભાગોમાં વાહનોના આવાગમનમાં વધારો થયો છે. પરંતુ શ્રીગનરના નીચલા વિસ્તારો અને કાશ્મીર ખીણના ઘણાં વિસ્તારોમાં વાહનવ્યવહાર ઓછો છે. તેમણે કહ્યુ છે કે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. જો કે આ સ્થાનો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સુરક્ષાદળોની તેનાતી ચાલુ છે. બુધવારે પ્રાથમિક શાળા બાદ મિડલ સ્કૂલ પણ ખોલવામાં આવશે.
તો મંગળવારે કાશ્મીર ખીણમાં બજાર બંધ રહ્યા, જ્યારે જાહેર પરિવહન સડકો પરથી ગાયબ જોવા મળ્યું. મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ સતત 16મા દિવસે બાધિત રહી, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં લેન્ડલાઈન સેવાઓ પણ અસરગ્રસ્ત રહી. અધિકારીઓનું કહેવું છે કે ગત પાંચ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી અનુચ્છેદ-370ની મોટાભાગની જોગવાઈઓને હટાવાયા બાદથી સ્થિતિ કુલ મળીને શાંતિપૂર્ણ બનેલી છે.
કાશ્મીર ખીણના કેટલાક વિસ્તારોમાં યુવાનોના જૂથો અને સુરક્ષાદળો વચ્ચે ઝડપ સર્જાઈ છે. અધિકારીઓનું કહેવું છે કે કેટલાક લોકોના ઘાયલ થવાના પણ અહેવાલ છે. પરંતુ સ્થિતિ શાંતિપૂર્ણ બનેલી છે.