ભારતનું અભિન્ન અંગ છે કાશ્મીર, કાશ્મીરીઓનું ભારત સાથે રહેવામાં જ ભલું: જમિયત ઉલેમા-એ-હિંદ
બેઠકમાં કાશ્મીરને લઈને રજૂ કરાયો પ્રસ્તાવ
જમિયતે કહ્યું, પાડોશી દેશ કાશ્મીરને નષ્ટ કરવામાં લાગેલો
જમિયત ઉલેમા-એ-હિંદે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ અને કાશ્મીરીઓને હમવતન ગણાવ્યા છે. દિલ્હીમાં ગુરુવારે જમિયત ઉલેમા-એ-હિંદની સામાન્ય પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાશ્મીરને લઈને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. આ દરમિયાન જમિયતે કહ્યુ કે કોઈ ભાગલાવાદી આંદોલન માત્ર દેશ જ નહીં, પણ કાશ્મીરના લોકો માટે પણ હાનિકારક છે.
જમિયતે પોતાના પ્રસ્તાવમાં કહ્યું છે કે અમને લાગે છે કે કાશ્મીરી લોકોના લોકતાંત્રિક અને માનવાધિકારોની સુરક્ષા કરવી આપણું રાષ્ટ્રીય કર્તવ્ય છે. તેમ છતાં આ અમારો દ્રઢવિશ્વાસ છે કે તેમનું કલ્યાણ ભારત સાથે એકસાથે રહેવામાં રહેલું છે. દુશ્મન શક્તિઓ અને પાડોશી દેશ કાશ્મીરને નષ્ટ કરવામાં લાગેલા છે.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે જમિયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ અરશદ મદનીની તાજેતરમાં મુલાકાત થઈ હતી. તેના પર વિપક્ષી દળો તરફથી તીખી પ્રતિક્રિયા આવી હતી. બાદમાં અરશદ મદનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે દેશના ભલા માટે સાથે મળીને કાર્ય કરવા પર વિચાર વિમર્શ થયો હતો.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવામાં આવી છે. તેના વિરોધમાં ઘણાં વિપક્ષી દળો અને મુસ્લિમ સંગઠનોના નિવેદનો સામે આવ્યા છે. પાકિસ્તાન પણ ખુલીને વિરોધમાં ઉતરી આવ્યું છે. તેવામાં જમિયત ઉલેમા-એ-હિંદનું નિવેદન સરકાર માટે મોટી રાહતના સમાચાર સાબિત થઈ શકે છે.