ફિરોઝપુર: ડિવિઝનલ રેલવે મેનેજર ફિરોઝપુર વિવેકકુમારને જૈશ-એ-મોહમ્મદ તરફથી એક ધમકી ભરેલી જાસાચિઠ્ઠી મળી છે. તેમાં ધમકી આપવામાં આવી છે કે જૈશ-એ-મોહમ્મદ પોતાના જેહાદીઓના મોતનો બદલો જરૂરથી લેશે અને 13મી મેના રોજ ફિરોઝપુર, ફરીદકોટ, બરનાલા, અમૃતસર અને જાલંધર રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેશે. આ જાસાચિઠ્ઠી લખનારે પોતાનું નામ લખ્યું નથી, પરંતુ જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન અને મૈસૂર અહમદ- એરિયા કમાન્ડર જમ્મુ-કાશ્મીર (સિંધ) પાકિસ્તાન લખેલું છે.
હિંદી ભાષામાં લખવામાં આવેલા આ ધમકી ભરેલા પત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં રાજસ્થાનના જયપુર, રેવાડી, બિકાનેર, જોધપુર, ગંગાનગરની સાથે રાજસ્થાનના મિલિટ્રી બેસ, બસ સ્ટેશનો અને મંદિરોને ઉડાવવામાં આવશે. જાસાચિઠ્ઠીમાં 16મી મેના રોજ પંજાબના સુવર્ણ મંદિર સહીત અન્ય ધાર્મિક સ્થાનોને ઉડાવી દેવાની ધમકી આપણ આપવામાં આવી છે.
આ જાસાચિઠ્ઠી કોઈ શરારત હોવાની પણ સંભાવના છે. પહેલા પણ આવા ધમકી ભરેલા પત્ર ડીઆરએમ કાર્યાલય ફિરોઝપુરને ઘણીવાર મળી ચુક્યા છે. પરંતુ તેમ છતાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ પત્રને ખૂબ ગંભીરતાની સાથે લેવાઈ રહ્યો છે.