મોદી સરકારે શપથ લીધાના બીજા દિવસે જ અર્થવ્યવસ્થાના મોરચે ખરાબ સમાચાર આવ્યા છે. નાણાંકીય વર્ષ 2018-19ની ચોથા ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસદર ઘટીને 6 ટકાથી પણ નીચે ચાલ્યો ગયો છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક સમયગાળામાં દેશનો જીડીપી માત્ર 5.8 ટકાના દરથી વધ્યો છે. બીજી તરફ લેબર સર્વે પ્રમાણે, ગત વર્ષે દેશમાં બેરોજગારીનો દર પણ 6.1 ટકા પર રહ્યો છે.
ચોથા ત્રામાસિક સમયગાળામાં બેહદ નબળા આંકડાના અસર આખા નાણાંકીય વર્ષના જીડીપી ગ્રોથ રેટ પર પડી છે. જેને કારણે આખા નાણાંકીય વર્ષનો જીડીપી ગ્રોથ રેટ સાત ટકાથી ઘટીને 6.8 ટકા પર આવી ગયો છે.
મહત્વપૂર્ણ છે કે નાણાંકીય વર્ષ 2017-18ના જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક સમયગાળામાં જીડીપી ગ્રોથ રેટ 8.1 ટકા પર રહ્ય હતો. જ્યારે આખા નાણાંકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસદર 7.2 ટકા રહ્યો હતો. એટલે કે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક સમયગાળામાં નાણાંકીય વર્ષ 2017-18ના મુકાબલે 2018-19માં 2.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે 2017-18ના આખા નાણાંકીય વર્ષના જીડીપી ગ્રોથ રેટના મુકાબલે નાણાંકીય વર્ષ 2018-19માં આ આંકડામાં 0.4 ટકાનો ઘટાડો આવ્યો છે.
ચોથા ત્રિમાસિક સમયગાળામાં વિભિન્ન ક્ષેત્રના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો અને સરકારી ખર્ચમાં કાપને કારણે ગ્રોથને આંચકો લાગવાની આશંકા પહેલેથી જ વ્યક્ત કરાઈ રહી હતી. પરંતુ ગ્રોથ રેટને છ ટકાથી પણ નીચે જવાની આશા કોઈને પણ ન હતી. દેશની વિભિન્ન બેંકોએ ગ્રોથ રેટ 6થી 6.3 ટકા સુધી રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. કોટક મહિન્દાર બેંકે સૌથી ઓછો છ ટકા રહેવાની આશંકા વ્યક્ત કરી હતી.