ભારતીય રેલવેને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ભારતીય રેલવેએ માત્ર 15 દિવસના ટૂંકાગાળામાં 1000 રેલવે સ્ટેશનોમાં મફત વાઈફાઈની સુવિધા શરૂ કરી દીધી છે. આવી રીતે ઈન્ટરનેટની સાતે જોડાનારા સ્ટેશનોની સંખ્યા 3000 સુધી પહોંચી ગઈ છે.
લાઈવમિંટના અહેવાલ પ્રમાણે, રેલવાયર વાઈ-ફાઈ નામની સુવિધાથી જોડાનારું 3000મું સ્ટેશન ઉત્તર પશ્ચિમ રેલવેના બિકાનેર મંડલમાં આવેલું એલનાબાદ સ્ટેશન હતું. તેના પહેલા ત્રીજી ઓગસ્ટે ઉત્તર-પશ્ચિમ રેલવેમાં આવનારા રાજસ્થાનનું રાણાપ્રતાપ નગર સ્ટેશન વાઈ-ફાઈ સુવિધા મેળવનારું 2000મું સ્ટેશન બની ગયું હતું.
રિપોર્ટ પ્રમાણે, રેલવે પોતાના તમામ 6000 સ્ટેશનોને મફત વાઈ-ફાઈની સુવિધાથી સજ્જ કરવાની યોજના બનાવી રહ્યું છે. રેલવેની દૂરસંચાર શાખા રેલટેલ હવે ટાટા ટ્રસ્ટ સાથે બાકી બચેલા સ્ટેશનો પર આ સુવિધાને શરૂ કરવાની તૈયારીમાં છે.
રેલટેલના મુખ્ય પ્રબંધ નિદેશક પુનીત ચાવલાએ કહ્યુ છ કે અમે દેશના તમામ સ્ટેશનોને વાઈ-ફાઈની સુવિધાથી પરિપૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છીએ. આખા ભારતમાં 1000 સ્ટેશનોને માત્ર 15 દિવસોમાં વાઈ-ફાઈની સુવિધાથી પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. જે ટીમની ક્ષમતા અને સમર્પણની ભાવના દર્શાવે છે.