કોલંબો: શ્રીલંકામાં બોમ્બ વિસ્ફોટ બાદ તેના કવરેજ માટે ત્યાં ગયેલા ભારતીય ફોટો જર્નાલિસ્ટની પોલીસે ધરપકડ કરી છે. જણાવવામાં આવે છે કે પત્રકારે કથિતપણે એક સ્કૂલમાં બળજબરીથી પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. બાદમાં શ્રીલંકાની પોલીસે તેની ધરપકડ કરી છે.
અહેવાલ મુજબ, પત્રકારની ઓળખ સિદ્દીકી અહમદ દાનિશ તરીકે થઈ છે. તે નવી દિલ્હી ખાતે રૉયટર્સ ન્યૂઝ એજન્સી માટે કામ કરે છે. આ ફોટો જર્નાલિસ્ટે અધિકારીઓ સાથે વાત કરવા માટે નેગોંબો શહેરની એક સ્કૂલમાં કથિતપણે બળજબરીથી પ્રવેસ કરવાની કોશિશ કરી હતી.
પોલીસે જણાવ્યું છે કે દાનિશની અનઅધિકૃત પ્રવેશના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને 15મી મે સુધી નેગોંબો મેજિસ્ટ્રેટ દ્વારા તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે, દાનિશે એક બાળક સાથે સંબંધિત જાણકારી એકઠી કરવા માટે સ્કૂલમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. આ બાળકનું ચર્ચમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં મોત નીપજ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે ઈસ્ટર સન્ડેના દિવસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં આતંકવાદીઓએ ચર્ચ અને ફાઈવસ્ટાર હોટલોને નિશાન બનાવી હતી. જેમાં 250 લોકોના મોત નીપજ્યા હતા અને લગભગ 500 લોકો ઘાયલ થયા હતા.