ભારતીય સેનાને આદેશ: ચીન બોર્ડર પર જરૂર પડ્યે આક્રમક વલણ અપનાવવાની છૂટ
- ભારતીય સેનાની ચીની હરકતો પર બાજ નજર
- ભારતીય સેના ચીની સેનાની નાપાક હરકત પર અપનાવે આક્રમક વલણ: સૂત્ર
- ભારતીય સેના અને વાયુસેનાને વધારે સતર્ક રહેવાના આદેશ: સૂત્ર
અમદાવાદ: ભારતમાં મોદી સરકાર ચીનને આર્થિક ફટકા પર ફટકા મારી રહી છે, ચીનના ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ અને વેપાર પર પણ પ્રતિબંધ લગાવી રહી છે ત્યારે બીજી સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે ભારતીય સેનાને પણ સરહદ પર વધારે એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
સૂત્રોના આધારે ભારતીય સેનાના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ સેનાના જવાનોને આદેશ કર્યો છે કે તેઓ અત્યંત ઉચ્ચ સ્તરને સતર્કતા રાખે અને ચીન દ્વારા જો કોઈ પણ અટકચાળા કે ગેરરીતિ કરવામાં આવે તો તેનો આક્રમક રીતે જવાબ આપવામાં આવે.
ભારતીય સેના અને વાયુસેના ચીન બોર્ડર પર સતત નજર રાખે અને સાથે સાથે જ્યાં સુધી ચીન સાથે સીમા વિવાદનું સંતોષજનક પરિણામ ન આવે ત્યાં સુધી ઉચ્ચ સ્તરની સતર્કતા રાખવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે. જો કે ચીન ભલે અત્યારે કાંઈ કરે કે ન કરે પણ ભારત દેશ પોતાની સુરક્ષા અને સલામતીને લઈને કોઈ બાંધછોડ કરવા તૈયાર થશે નહીં.
જો કે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપી બાદ બે દેશોના સંબંધ બગડ્યા છે. ભારતના વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ કે ભારતીય સેનાના જવાનોનું બલીદાન વ્યર્થ નહી જાય અને તે રીતે ભારત પગલા પણ લઈ રહ્યું છે, તો બીજી તરફ સેના પણ ચીનની તમામ હરકતો પર બાજ નજર રાખી રહી છે.
_Vinayak