ન્યૂયોર્ક: ભારતે ગત વર્ષ આવેલા સંયુક્ત રાષ્ટ્રના એ રિપોર્ટને નામંજૂર કર્યો છે, જેમાં જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનની વાત કહેવામાં આવી હતી. સોમવારે ભારતે યુએનમાં આ રિપોર્ટનો આકરો વિરોધ કર્યો હતો. ભારતે તેને બોર્ડર પર પ્રવર્તમાન પરિસ્થિતિઓને લઈને પહેલાની જેમ ખોટો અને ખાસ માનસિકતાથી પ્રેરીત ગણાવ્યો છે.
ગત વર્ષ જૂનમાં પણ યુએનનો રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટને ઓફિસ ઓફ ધ હાઈકમિશનર ફોર હ્યુમન રાઈટ્સ (ઓએચસીએચઆર) તરફથી પ્રસારીત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ બાદ તાજેતરમાં વધુ એક અહેવાલ આવ્યો છે, જે પહેલાના રિપોર્ટનો આગામી હિસ્સો છે. આ નવા રિપોર્ટમાં મે-2018થી એપ્રિલ-2019 દરમિયાન કાશ્મીર ખીણની પરિસ્થિતિનું વિવરણ છે. આ રિપોર્ટમાં કાશ્મીરનો ઉલ્લેખ કથિતપણે ભારત પ્રાધિકૃત કાશ્મીરમાં ગંભીર માનવાધિકાર ભંગ, ની વાત કહેવામાં આવી છે. રિપોર્ટમાં પીઓકેમાં પણ માનવાધિકાર ઉલ્લંઘનનો ઉલ્લેખ છે.
43 પૃષ્ઠોના અહેવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે આ રિપોર્ટ સંપૂર્ણપણે ભારતની સાર્વભૌમતા અને પ્રાદેશિક અખંડિતતાની વિરુદ્ધ છે. રિપોર્ટમાં સીમાપારથી ચાલી રહેલા આતંકવાદની અવગણના કરીને પરોક્ષપણે આતંકવાદને કાયદેસરનો ઠેરાવવાની કોશિશ કરવામાં આવી છે.
રવીશ કુમારે કહ્યુ છે કે રિપોર્ટમાં જે પણ અપડેટ કરવામાં આવી છે, તેના દ્વારા દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર અને એક એવા દેશની વચ્ચે કૃત્રિમ સમાનતા બનાવવાની કોશિશ કરવામાં આવી છે, જે ખુલ્લેઆમ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે.
રવીશ કુમારે કહ્યુ છે કે આ અપડેટેડ રિપોર્ટ ચિંતાનો વિષય છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે યુએન સિક્યોરિટી કાઉન્સિલના માપદંડો હેઠળ આતંકવાદ કાયદેસર છે. રવીશ કુમારે કહ્યુ છે કે ભારતે રિપોર્ટને લઈને આકરો વિરોધ નોંધાવ્યો છે.