- ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની ટ્રમ્પની ‘ચળ’ યથાવત
- જી-7 સમિટ બાદ ટ્રમ્પે ફરીથી મદદની દર્શાવી તૈયારી
- ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટયાનો ટ્રમ્પનો દાવો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્હ્યુ છે કે બે સપ્તાહ પહેલાની સરખામણીએ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ કંઈક ઘટયો છે. ટ્રમ્પે કહ્યુ છે કે જો બંને દેશ ચાહે તો તેઓ મદદ કરવા માટે તૈયાર છે. ફ્રાંસમાં 26 ઓગસ્ટે જી-7 સમિટમાં થયેલી પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત બાદ આ નવી ટીપ્પણી સામે આવી છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યુ છે કે જેવું કે તેમને ખબર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરને લઈને તણાવ છે. મને લાગે છે કે હાલ બંને દેશો વચ્ચે આ તણાવ થોડો ઘટયો છે, કે જેટલો બે સપ્તાહ પહેલા હતો.
મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની મોટાભાગની જોગવાઈઓને હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ટ્રમ્પે એક સવાલના જવાબમાં કહ્યુ છે કે જો તેઓ બંને ઈચ્છે છે, તો હું તેમને મદદ કરવા માટે તૈયાર છું.
ઉલ્લેખનીય છે કે કેટલાક સમય પહેલા ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવાનું જણાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે દાવો કર્યો છે કે મોદી અને તેમણે જાપાનના ઓસાકામાં જી-20 શિખર સંમેલનથી અલગ કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરી હતી. જ્યાં ભારતી યવડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર પર ત્રીજા પક્ષની મધ્યસ્થતાની કથિતપણે પેશકશ કરી હતી.
કાશ્મીર પર મધ્યસ્થતાને લઈને કરવામાં આવેલા ટ્રમ્પના દાવાને ભારત સરકારે ખોટા ગણાવ્યા હતા. વિદેશ મંત્રાલયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને સોય ઝાટકીને રદિયો આપ્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર પર મધ્યસ્થતાની વાત કહી હતી.