દુનિયામાં પ્રવાસીઓ દ્વારા પોતાના દેશમાં ધન મોકલવાના મામલામાં ભારતીયો સૌથી આગળ છે. 2018માં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતમાં કુલ 79 અબજ ડોલર એટલે કે પાંચ લાખ પચાર હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. વર્લ્ડ બેંકની માઈગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફમાં આની જાણકારી આપવામાં આવી છે. ભારત બાદ આ મામલામાં દુનિયામાં બીજા સ્થાને ચીન છે. ચીનમાં વિદેશમાં રહેતા ચીનીઓ દ્વારા 67 અબજ ડોલરની રકમ તેમના દેશમાં મોકલવામાં આવી છે. તેના પછી મેક્સિકો 36 અબજ ડોલર, ચોથા ક્રમાંકે ફિલિપિન્સ 34 અબજ ડોલર અને ઈજીપ્ત 29 અબજ ડોલર સાથે પાંચમા ક્રમાંકે છે.
ગત ત્રણ વર્ષમાં ભારતમાં સતત પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવેલું ધન ઘણાં સારા પ્રમાણમાં રહ્યું હતું. 2016માં ભારતીયોએ 62.7 અબજ ડોલર, તો 2017માં 65.3 અબજ ડોલર રકમ મોકલી હતી. વર્લ્ડ બેંકે ક્હ્યું છે કે ભારતમાં 2018માં આવેલા રેમિટેન્સમાં 14 ટકાનો વધારો થયો છે. તેનું કારણ એ હોઈ શકે છે કે કેરળમાં આવેલા વિનાશક પૂરમાં મદદ માટે પ્રવાસીઓએ પોતાના પરિવારોને મદદ મોકલી છે. બીજી તરફ પાકિસ્તાનમાં પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવનારા ધનમાં માત્ર સાત ટકાનો વધારો થયો છે, કારણ કે તેનો સૌથી મોટા સ્ત્રોત સાઉદી અરેબિયામાંથી આવનારા ધનમાં ઘટાડો નોંધાયો છે. બાંગ્લાદેશમાં પણ પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવેલા નાણાંમાં 2018માં 15 ટકાનો મોટો ઉછાળો થયો છે.
રિપોર્ટ મુજબ, ઓછા અને મધ્યમ આવકવાળા દેશોમાં 2018માં આવનારું રેમિટેન્સ રેકોર્ડ ઊંચાઈ 529 અબજ ડોલર સુધી પહોંચ્યું છે. 2017ના 483 અબજ ડોલરના મુકાબલે 9.6 ટકા વધારે છે. 2018માં આખી દુનિયામાં રેમિટન્સની વાત કરીએ, તો કુલ 689 અબજ ડોલરનું ધન પ્રવાસીઓ દ્વારા પોતાના દેશમાં મોકલવામાં આવ્યું છે. દક્ષિણ એશિયાના દેશોમાં મોકલવામાં આવનારા નાણાંમાં 12 ટકાનો વધારો થયો છે અને તે 131 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. 2017માં આમાથી માત્ર છ ટકાનો વધારો થયો હતો.
વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેમિટેન્સમાં આ વધારો અમેરિકાની આર્થિક સ્થિતિ સુધરવા અને ઓઈલની કિંમતોમાં વધારાને કારણે થયો છે. ઓઈલની કિંમતના વધવાને કારણે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલે ઘણાં દેશોમાંથી બહાર મોકલનારા ધન પર સકારાત્મક અસર પેદા કરી છે. જીએસીસીમાં બહરીન, કુવૈત, ઓમાન, કતર, સાઉદી અરેબિયા અને યુએઈથી બનેલું છે. રિપોર્ટ મુજબ, અમેરિકન ડોલર પોતાના દેશ મોકલવા માટે પ્રવાસીઓને હજીપણ ઘણો ખર્ચ કરવો પડે છે. હાલના સમયમાં રેમિટેન્સની પડતર લગભગ સાત ટકા સુધીની છે. 2030 સુધી આને ત્રણ ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.