અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયાં છે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. ત્યારે ઉપરવાસમાંથી પાણીની થઈ રહેલી આવકને પગલે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થવાના કારણે વડોદરાવાસીઓ ફરી એકવાર ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયાં છે.
મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ છે. આ ઉપરાંત નદીઓમાં નવા નીર આવતા બે કાંઠે વહેતી થઈ છે. વડોદરાના આજવા સરોવરમાં પણ ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદના કારણે નવા પાણીની આવક થઈ છે. જેથી તંત્ર દ્વારા 3150 ક્યુકેસ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થવાનો છે. હાલ નદીની સપાટી 18.50 ફુટ છે. તો તંત્રએ નિચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત કાલાઘોડા બ્રિજ પર બેરીકેટ મુકીને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી સતત વધતા વડોદરાવાસીઓ પણ ચિંતામાં મુકાયાં છે. તેમજ હજુ સતત પાણીની આવક ચાલુ રહેતો વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણની શકયતાઓ વ્યક્ત કરી રહ્યાં છે.