Site icon Revoi.in

અમદાવાદમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારાઓને શોધી કાઢવા પોલીસે બનાવ્યો એકશન પ્લાન

Social Share

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ મોટી સંખ્યામાં દરરોજ માસ્ક વગર પકડાય છે. ત્યારે પોલીસે હવે કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા શહેરીજનોને શોધી કાઢવા માટે એકશન પ્લાન બનાવ્યો છે. માસ્ક નહીં પહેરનાર સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવશે. આ ઉપરાંત સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા લગ્ન પ્રસંગ તેમજ અન્ય કાર્યક્રમમાં પણ સિવિલ ડ્રેસમાં પોલીસ હાજરી આપીને જાહેરનામા ભંગના નિયમનો ઉલ્લંઘન થતું નથી તેની ખાસ નજર રાખશે. જો ઉલ્લંઘન થતું જણાશે તો પોલીસ પરમિશન માંગનાર વિરુદ્ધ ફરિયાદ નોંધશે.

સુત્રોના જણાવ્યા અનુસાર દિવાળી બાદ અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોના ગાઈડલાઈનનું યોગ્ય પાલન નહીં કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનરે કોરોના વાઇરસના કેસનો વિસ્ફોટ અટકાવવા માટે એક ખાસ એકશન પ્લાન તૈયાર કરીને અમલવારી શરૂ કરી છે. જેમાં સ્પેશિયલ બ્રાન્ચના કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ શહેરના જુદા જુદા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં ફરશે. જે પણ વ્યકિતએ માસ્ક નહીં પહેર્યુ હોય કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહી કર્યુ હોય તો તેવા લોકોના આ ટીમ ફોટા તેમજ વીડિયોગ્રાફી કરી લેશે. ત્યારબાદ તે ફોટા કે વીડિયો પોલીસ અધિકારીઓના વોટ્સએપ ગૃપમાં પોસ્ટ કરવામાં આવશે. તેના આધારે સ્થાનિક પોલીસ જાહેરનામાનો ભંગ કરનારા વ્યકિતનું લોકેશન મેળવીને ઘટના સ્થળે પહોંચી જશે. આ બાદ પોલીસ નિયમનો ભંગ કરનારા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરશે. નોંધનીય છે કે, અમદાવાદ પોલીસ અને કોર્પોરેશન દ્વારા નિયમનો ભંગ કરનારા વિરુદ્ધ કાર્યવાહી અગાઉ કરવામાં આવી રહી છે.