વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળની શરૂઆત કરી દીધી છે. 30 મેના રોજ શપથ લીધા પછી શુક્રવારે પીએમ મોદીએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને નમન કરીને પોતાની નવી ઇનિંગ્સની શરૂઆત કરી. કેબિનેટની પહેલી મીટિંગમાં પીએમ મોદીએ જવાન અને ખેડૂતો સાથે જોડાયેલા મહત્વના નિર્ણયો લીધા, જ્યારે 2014ની પહેલી કેબિનેટ મીટિંગમાં કાળાનાણા માટે એસઆઇટીનું ગઠન કરવામાં આવ્યું હતું.
શુક્રવારે કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલો નિર્ણય લીધો કે તેઓ ભારતની રક્ષા કરનારાઓને સમર્પિત છે. આ નિર્ણય હેઠળ સરકારે રાષ્ટ્રીય સંરક્ષણ કોષ હેઠળ ‘પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના’માં મહત્વના ફેરફારોને મંજૂરી આપી. આ નિર્ણયમાં જ્યાં શિષ્યવૃત્તિની રકમમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યાં આ યોજનામાં રાજ્ય પોલીસકર્મીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.
સરકારની આ યોજના હેઠળ સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાંયેલા કર્મીઓના બાળકોને સ્કોલરશિપ આપવામાં આવે છે. અત્યાર સુધી આ વ્યવસ્થા હેઠળ છોકરાઓને 2000 રૂપિયા પ્રતિ માસ અને છોકરીઓને 2500 રૂપિયા પ્રતિમાસની શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી, જેને વધારીને 2250 અને 3000 રૂપિયા પ્રતિમાસ કરવામાં આવી છે.
સાથે જ આ યોજનામાં હવે એવા રાજ્ય પોલીસકર્મીઓના બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા છે, જે આતંકી/નક્સલ હુમલાઓ દરમિયાન શહીદ થઈ ગયા છે. રાજ્ય પોલીસકર્મીઓના બાળકો માટે નવી શિષ્યવૃત્તિનો કોટા એક વર્ષમાં 500 હશે. અત્યાર સુધી આ ફંડનો ઉપયોગ સશસ્ત્ર દળો, અર્ધસૈન્ય દળો અને રેલવે સુરક્ષાદળોના સભ્યો તથા તેમના આશ્રિતોના કલ્યાણ માટે કરવામાં આવે છે.
તમામ ખેડૂતોને મળશે સન્માન
પહેલી કેબિનેટ મીટિંગમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરતને પણ ખતમ કરી દેવામાં આવી છે. હવે દેશના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક સહાયતા રકમ સીધી તેમના ખાતાઓમાં મોકલવામાં આવે છે. ચૂંટણી પહેલા સરકારે જ્યારે આ નિર્ણય કર્યો હતો, ત્યારે આ યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન હોય, પરંતુ હવે આ શરત ખતમ કરી દેવામાં આવી છે.
યોજનામાં ફેરફાર કરીને તે હેઠળ બે કરોડ અને ખેડૂતોને સામેલ કરવામાં આવ્યા છે. ફેરફાર પછી હવે આ યોજનાનો લાભ આશરે 14.5 કરોડ ખેડૂતોને મળશે અને 2019-20માં તેના પર અંદાજિત ખર્ચ 87,217.50 કરોડ રૂપિયા થશે.