– દધીચિ ઠાકર
આપણે વિવિધ સમારંભોમાં, કાર્યક્રમોમાં કે સમાચાર ચેનલો પર અલગ અલગ સંચાલકોને જોતા અને સાંભળતાં હોઈએ છીએ. આપણે તેને સંચાલક, ઉદ્દઘોષક, સમાચાર વાચક, એન્કર તરીકે ઓળખીએ છીએ. જે તે ઉપક્રમમાં અતિ સરળ લાગતી સંચાલકની ભૂમિકા આમ જોવા જઈએ તો અતિમહત્વની હોય છે. આ માટે કેટલી સજ્જતા કેળવવી પડે છે તેની કલ્પના ભાવકો કરતાં નથી.
આ વિષયના અભ્યાસ માટે જાણીતા લેખક, નવલકથાકાર, વિવેચક અને સંપાદક શ્રી હરીશભાઈ વટાવવાળાએ સુંદર પુસ્તક લખ્યું છે.
હરીશભાઈ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઘણાં વર્ષોથી સંકળાયેલા હોવાથી તેમણે ઉચ્ચારશુધ્ધિ, વ્યાકરણની બાબતો અને સિદ્ધાંતો વિષયક સમજને ધ્યાનમાં લીધી છે તેમ જણાય છે. ‘ વાણીનો પ્રભાવ’ શીર્ષક અંતર્ગત પોતાની વાત આલેખતાં હરીશભાઈ નોંધે છે કે, ‘ દરેક કળાને થોડાં સિદ્ધાંતો અને ઘણી શૈલી – રીતો હોય છે. સંચાલન કરવું એ પણ એક કળા છે, એ કળા દ્વારા કાર્યક્રમની રોનક વધી જાય છે. શ્રોતાઓ મુગ્ધ થઈ જાય છે અને કાર્યક્રમના અંતે શ્રોતાઓ કશુંક નવું પ્રાપ્ત કર્યાનો આનંદ મેળવે છે. (પૃ – ૫) ‘ ઉદ્દઘોષકના કલ્પના તરંગો એના ચિત્તમાં અભિવ્યક્તિની નૂતન તાજગી લઈ આવે છે. ભાષા અને લયના આરોહ – અવરોહ દ્વારા અનેક શક્યતાઓનો ઉઘાડ કરે છે. જિંદગીનું ઊંડું ચિંતન થોડા જ શબ્દોમાં અત્યંત સરળતાથી વ્યક્ત કરે છે. નવી નવી અર્થચ્છાયા દ્વારા શબ્દને વિશેષ ઉજાગર કરે છે. ‘ (પૃ – 7)
હરીશભાઈની પ્રાસ્તાવિક વાત વાંચતા ખ્યાલ આવે છે કે આ પુસ્તક તૈયાર કરવા માટે તેમણે કેટલાં પુસ્તકોનો અભ્યાસ કર્યો છે ! આ પુસ્તકમાં તેમણે સ – વિસ્તાર માહિતી અને સમજ રજૂ કરી છે કે – સંચાલક અને ઉદ્દઘોષક વચ્ચે ફરક શું છે. સાત મુખ્ય વિભાગોમાં આલેખાયેલા આ પુસ્તકની વિગતવાર વાત કરીએ તો પ્રથમ વિભાગમાં સંચાલકની ભૂમિકાની વાત કરી છે, તેના પેટા વિભાગમાં સંચાલકના પ્રકાર, સભા સંચાલક તેમજ કવિ – સંમેલન કે મુશાયરાના સંચાલનની વાત કરી છે. બીજા વિભાગમાં કાર્યક્રમોના આયોજન અને પ્રકારની વાત કરી છે જેવા કે સામાજિક ,રાજકીય, ધાર્મિક,વ્યક્તિત્વ – વિકાસ, સંસ્થાકીય અને શૈક્ષણિક, સાહિત્યિક, આરોગ્યલક્ષી તેમજ રેડિયો અને ટી.વી કાર્યક્રમો વગેરે. ત્રીજા વિભાગમાં ઉદ્દઘોષકની ભૂમિકાની વાત કરી છે, તેના પેટા વિભાગમાં કવિ – સંમેલન કે મુશાયરામાં, આકસ્મિક સંજોગોમાં તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉદ્દઘોષકનું સ્થાન ક્યાં છે તેનો ઉલ્લેખ છે. ચોથા વિભાગમાં સ્ટેજ વ્યવસ્થાની વાત છે, તેના પેટા વિભાગમાં વિવિધ ઉપક્રમોમાં કેવી વ્યવસ્થા હોય તે વાત છે. પાંચમા વિભાગમાં કાર્યક્રમના આયોજનની વાત છે, તેના પેટા વિભાગમાં એક આખા કાર્યક્રમની રૂપરેખા અને તેને યોગ્ય વિગતો અલંકારિક ભાષામાં આલેખી છે. છઠ્ઠા વિભાગમાં મુશાયરાનો ઉદ્દભવ અને પ્રકાર વર્ણવ્યા છે. સાતમા વિભાગમાં હાસ્ય કવિ સંમેલનની વાત આલેખી છે.
પુસ્તકના અંતિમ પડાવમાં પ્રથમ ઉર્દૂ ગઝલના ઉત્તમ શેઅરો, તે શાયરીના અઘરા શબ્દોના અર્થ, ગુજરાતી ગઝલના મુશાયરાની વિસ્તારપૂર્વકની વિગતો અને અંતમાં ગુજરાતી ગઝલના ઉત્તમ અને લોકપ્રિય શેઅરો ટાંકવામાં આવ્યા છે.
ચાર આવૃત્તિ વટાવી ચૂકેલું આ પુસ્તક નાનામાં નાના કાર્યક્રમના આયોજકથી માંડીને ઉદ્દઘોષક, વકતા સૌને ઉપયોગી નીવડશે તેની મને આશા છે. આજના સમયમાં સમાચાર વાચકો, સંચાલકો તેમજ ઉદ્દઘોષકોને ઉચ્ચારોની તેમજ વિષયને જાળવી રાખવાની તકલીફ પડે છે ત્યારે આ પુસ્તક તે સૌ માટે હાથવગું રાખવા જેવું છે.
(પુસ્તકનું નામ – કાર્યક્રમનું સંચાલન કેવી રીતે કરશો ?
લેખક – હરીશ વટાવવાળા
મૂલ્ય : ₹ 90 /-
પ્રથમ આવૃત્તિ : 2009 ; પૃષ્ઠ – 128
પ્રાપ્તિ સ્થાન : – શબ્દલોક પ્રકાશન, ‘ સારસ્વત સદન ‘,
1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે,
અમદાવાદ – 380001)