ઈન્ડિયન એરફોર્સના AN-32 વિમાનની દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી. વાયુસેનાએ તેમા સવાર તમામ 13 લોકોની મોતની પુષ્ટિ કરી દીધી છે. વાયુસેનાએ કહ્યું છે કે વિમાનની ક્રેશ સાઈટ પર કોઈ મળ્યું નથી.
ઈન્ડિયન એરફોર્સે વિમાનમાં સવાર રહેલા તમામ 13 લોકોના પરિવારને આની જાણકારી આપી છે. આ વિમાન 3 જૂને આસામના જોરહાટથી ઉડાણ ભર્યા બાદ અરુણાચલ પ્રદેશની ઉપરથી ઉડાણ ભરતી વેળાએ ગાયબ થયું હતું.
ઈન્ડિયન એરફોર્સે અરુણાચલ પ્રદેસના દૂરવર્તી ચુકા વિસ્તારમાં ભારતીય વાયુસેનાના વિમાન AN-32ની શોધખોળ માટે મોટું અભિયાન ચલાવ્યું હતું. વિમાનના ગાયબ થવાના આઠ દિવસ બાદ વાયુસેનાના વિમાનો કાટમાળ અરુણાચલ પ્રદેશના લિપોમાં મંગળવારે મળ્યો હતો.
કાટમાળને અરુણાચલ પ્રદેશના સિયાંગ અને શી-યોમી જિલ્લાની સીમા પર ગટ્ટે ગામની નજીક એમઆઈ-17 હેલિકોપ્ટર દ્વારા 12 હજાર ફૂટની ઊંચાઈ પર જોવામાં આવ્યો હતો.
બુધવારે 15 સદસ્યના બચાવ દળે દુર્ઘટનાસ્થળ સુધી પહોંચવાની કોશિશ કરી હતી. પરંતુ દુર્ગમ વિસ્તાર અને બેહદ ખરાબ હવામાનને કારણે આ ટુકડી સફળ થઈ શકી નહં. માટે બચાવ દળને એરલિફ્ટ કરીને દુર્ઘટનાસ્તળની નજીક આવેલી શિબિર સુધી પહોંચાડવામાં આવ્યું હતું. પરંતુ તેને ત્યાં કોઈ મળ્યું નહીં. તેના પછી ગુરુવારે વાયુસેના તરફથી કહેવામાં આવ્યું કે દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી.
13 લોકોની સાથે ઈન્ડિયન એરફોર્સનું AN-32 માલવાહક વિમાને ત્રીજી જૂને બપોરે 12-27 વાગ્યે આસામના જોરહાટથી ઉડાણ ભરી હતી અને એક વાગ્યે તેનો સંપર્ક તૂટી ગયો હતો. ગત દશ દિવસોથી એન-32 ગાયબ થયું હતું અને ભારતીય વાયુસેના તેની શોધખોળ કરી રહી હતી.
વાયુસેનાએ આ સર્ચ ઓપરેશનમાં ઈસરોની પણ મદદ લીધી હતી. તલાશી અભિયાનમાં વિશેષ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાનારું એરક્રાફ્ટ સી-130, એએન-32એસ, એમઆઈ-17 હેલિકોપ્ટર અને ભૂમિસેનાના ઘણાં આધુનિક હેલિકોપ્ટરને લગાવ્યા હતા. એએન-32ની શોધમાં લાગેલા સી-130જે, નેવીના પી-8આઈ, સુખોઈ જેવા વિમાનો ડેટા એકઠા કરી રહ્યા હતા.