મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ટેક ઓફ વખતે રન-વે પાર કરી ગયું વાયુસેનાનું વિમાન
મુંબઈ: મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં મંગળવારે રાત્રે એક મોટી દુર્ઘટના થતા-થતા રહી ગઈ હતી. અહીં મુંબઈ એરપોર્ટ પર ભારતીય વાયુસેનાનું એક વિમાન ઓવરરન કરી ગયું હતું. આ વિમાન મુંબઈથી બેંગાલુરુ માટે ઉડાણ ભરી રહ્યું હતું. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી.
જો કે આ દુર્ઘટનાને કારણે અન્ય 50 વિમાનો પર આની અસર પડી છે. કેટલાક વિમાનોના સમયમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. તો કેટલીક ફ્લાઈટોને હાલપૂરતી સ્થગિત કરવામાં આવી છે.
એરપોર્ટ ઓથોરિટી તરફથી પણ આ દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. એરપોર્ટ પ્રશાસને પોતાના નિવેદનમાં કહ્યુ છે કે ભારતીય વાયુસેના એએન-32 વિમાન મંગળવારે રાત્રે રનવે-27 પર ઓવરરન કરી ગયું હતું. આ વિમાન મુંબઈથી યેહલાંકા એરફોર્સ-બેંગાલુરુ ખાતે ઉડાણ ભરી રહ્યું હતું.
મુંબઈ એરપોર્ટનો રનવે 27 સામાન્ય ઓપરેશન માટે ચાલુ હોતો નથી. તેને કારણે જ્યારે આ દુર્ઘટના થઈ, ત્યારે રનવેની આસપાસના વિસ્તારમાં કોઈ ન હતું.
વિમાને ટેકઓફ માટે રનવે પર એક નિયમિત અંતર કાપવાનું હોય છે, જેમાં વિમાને પોતાની ઉડાણ ભરવાની હોય છે. મુંબઈમાં થયેલી દુર્ઘટનામાં વિમાન આ નિયમિત અંતરને પાર કરીને આગળ વધી ગયું હતું. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
મહત્વપૂર્ણ છે કે ગત કેટલાક દિવસોમાં દેશમાં જ નહીં, દુનિયાભરમાં ઘણાં એવા મામલા સામે આવ્યા છે, જ્યાં વિમાન મોટી દુર્ઘટનાનો ભોગ બન્યા હોય. પછી ચાહે તે ઈથોપિયાની વિમાન દુર્ઘટના હોય અથવા અન્ય આવી ઘટનાઓ હોય.
જો ભારતીય વાયુસેનાની વાત કરવામાં આવે, તો એરફોર્સના પણ ઘણાં યુદ્ધવિમાન, હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ચુક્યા છે. ગત એક વર્ષમાં ઘણીવાર વાયુસેનાના મિગ શ્રેણીના યુદ્ધવિમાનો ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ચુક્યાના દાખલા જોવા મળ્યા છે.