હોટલ-રેસ્ટોરન્ટમાં રાત્રે જ ગરાકી રહેતી હોય છે, સરકારની મંજુરી મળ્યા બાદ ધંધામાં તેજી આવશે
અમદાવાદઃ કોરોનાને લીધે સરકારે નિયંત્રણો મુકતા હોટલ-રેસ્ટોરન્ટસને ખૂબ મોટો ફટકો પડ્યો છે. હોટલ-રેસ્ટોરન્ટમાં મોટાભાગે સાંજના સમય બાદ ગરાકી રહેતી હોય છે. એટલે હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો વ્યાપક મંદીનો સામનો કરી રહ્યા છે. ત્રણ અઠવાડિયાથી વધારે સમય માટે રિટેલ બંધ રહ્યા બાદ, રાજ્ય સરકારે બુધવારે નિયંત્રણો હળવા કરતાં વેપારીઓ અને રેસ્ટોરાંના માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્ય સરકારે હજી એક અઠવાડિયા સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યું હોવા છતાં, તેમણે રેસ્ટોરાંને ટેક અવે સાથે રાતે 10 વાગ્યા સુધી જ્યારે વેપારીઓને તેમની દુકાનો સવારે 9થી સાંજના 6 સુધી ખુલી રાખવાની છૂટ આપી છે. આ પગલું, ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો મુજબ વેપારીઓ તેમજ રેસ્ટોરાંના માલિકો માટે ખૂબ જરૂરી તેવા રાહત સમાન છે.
રાજ્ય સરકારે કોરોનાના કેસમાં ઘટાડો થતાં વેપાર-ધંધા રોજગારને સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી છૂટછાટ આપી છે. તેમજ હોટલ-રેસ્ટોરન્ટ્સને રાત્રે 10 વાગ્યા સુધી ફુડ પેકેટ્સની ડિલિવરી માટે છૂટછાટ આપતા રેસ્ટોરન્ટના સંચાલકોને રાહત થશે. વેપારીઓના કહેવા મુજબ દુકાનો 6 વાગ્યા સુધી ખુલી રાખવાની મંજૂરી મળતાં માગમાં વધારો કરવામાં મદદ કરશે અને ધંધામાં પણ વધારો થશે. મોટાભાગના ઓર્ડર ઓનલાઈન થઈ ગયા છે ત્યારે ધંધો કરવાનો વધુ સરળ બનશે’.
આ દરમિયાન, રેસ્ટોરાંના માલિકોને પણ લાગે છે કે, સરકારના નિર્ણયથી તેમના ધંધાને પુનર્જીવિત કરવામાં મદદ મળશે. આ ટેક અવે ઓર્ડરમાં વધારો કરવામાં મદદ કરશે કારણ કે ટાઈમમાં વધારો થતાં હવે અમને ઘણા ડિનર ઓર્ડર મળશે. લોકો ઘરેથી કામ કરી શકે છે અને ઓર્ડર આપી શકે છે, જે પહેલા નહોતું. ડાઈન-ઈન એ ધંધાનો મોટો સ્ત્રોત છે અને તેને બંધ કરવું તે સૌથી મોટુ નુકસાન છે. જો લોકો રોડ પર લાગેલા સ્ટોલ પર જઈને ખાઈ શકતા હોય તો પછી રેસ્ટોરાં પર નિયંત્રણો કેમ? આ સંબંધમાં કેટલીક છૂટ હોવી જોઈએ. તેમ રેસ્ટોરન્ટના એક સંચાલકો જણાવ્યું હતું. હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ અસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું હતું કે, ‘કોરોનાના કેસમાં ઘટાડો થયો છે ત્યારે ડાઈન-ઈનને પણ મંજૂરી આપવી જોઈએ. ધંધો ટકી રહે તે માટે જરૂરી સાવચેતીઓ સાથે તેને મંજૂરી મળવી જોઈએ.